20 September, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ
હૈદરાબાદ ગૅઝેટના આધારે મરાઠા સમાજને કુણબી ગણીને આપવામાં આવેલી અનામતને કારણે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)માં નારાજગી છે. OBC નેતા છગન ભુજબળે આ બાબતે હવે આક્રમક ભૂમિકા લીધી છે. તેમણે તેમના કાર્યકરોને સ્પષ્ટ કહ્યું છે કે મરાઠા અનામતના આંદોલન વખતે જે નેતાઓ જરાંગેને મળીને તેમના પગે પડ્યા હતા તેમને હવે પાઠ ભણાવો.
છગન ભુજબળે આ બાબતે કહ્યું હતું કે ‘જ્યારથી ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) લાગુ થયું છે ત્યારથી સ્પષ્ટ થવા માંડ્યું છે કે આપણાં બાળકોનું ભવિષ્ય અંધકારમય છે. સાતથી ૮ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. એક તો તમે GR પાછું ખેંચો અથવા એમાં જરૂરી સુધારો કરો. અનામત એટલે કંઈ ગરીબી હટાવો કાર્યક્રમ નથી. એકાદ મુંડે કે એકાદ ભુજબળ રાજકારણમાં આવ્યો અને થોડા પૈસા આવ્યા એટલે સમાજ આખો આગળ આવ્યો એવું નથી. મરાઠાઓ દાવો કરે છે કે અમે ૪૮ ટકા છીએ. એ લોકો કેટલા છે એ જાતિગણનામાં બહાર આવી જશે. ચૂંટણીઓ આવે એટલે મનોજ જરાંગે ઍક્ટિવ થાય છે. એથી મનોજ જરાંગેના આંદોલન વખતે તેમને પગે પડનારાઓને OBC મતદારો પાઠ ભણાવે. અમે હમણાં શાંત રહ્યા છીએ. સંસદસભ્ય અને વિધાનસભ્યો જો ત્યાં જઈને પગે પડતા હોય તો અમે પણ હવે તૈયાર છીએ. મરાઠા અનામત માટે જે રીતે ન્યાયમૂર્તિ શિંદે કમિશન નીમ્યું એવું જ કમિશન બોગસ કુણબી સર્ટિફિકેટ તપાસવા માટે પણ નીમો. મરાઠા સમાજને OBCમાંથી અનામત ન આપી શકાય એમ શરદ પવારે પહેલાં પણ જણાવ્યું હતું. એના પુરાવા તરીકે એ વખતનાં કટિંગ પણ મારી પાસે છે.’