એકનાથ શિંદે, અમે તમારી એટલી સીટો પાડીશું કે તમને પશ્ચાત્તાપ થશે

07 August, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠા નેતા મનોજ જરાંગે વીફર્યા, ઉદ્ધવ ઠાકરેને સારા કહેવા પડે એવો સમય ન આવવા દો એમ કહીને બોલ્યા કે તમારો ગદ્દારીનો ડાઘ અમે ભૂંસવાના હતા, પણ તમે દગો દીધો

મનોજ જરાંગે

મરાઠા અનામત માટે મનોજ જરાંગેએ કરેલા આંદોલન પછી મરાઠા સમાજને મળેલાં કુણબી સર્ટિફિકેટ્સને કારણે અધર બૅકવર્ડ ક્લાસ હેઠળ અનામતનો માર્ગ ખૂલ્યો હતો. હવે એ સર્ટિફિકેટ્સ સામે જ સવાલ ઊભા થવા માંડ્યા છે. મરાઠવાડામાં કુણબી જાતિનું સર્ટિફિકેટ મેળવનારી ૪ મરાઠા મહિલા લોકપ્રતિનિધિઓની જ કાસ્ટ-વૅલિડિટી જાતિચકાસણી સમિતિ દ્વારા રદ થઈ ગઈ એને પગલે જરાંગેએ પત્રકાર-પરિષદ બોલાવીને સરકાર પર જોરદાર હલ્લાબોલ કર્યું હતું. 
પત્રકાર-પરિષદમાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘ભુમરેમામા (શિવસેનાના ઔરંગાબાદના સંસદસભ્ય સંદીપન ભુમરે), તમે તો છઠ્ઠા નંબરે હતા. તમને ચૂંટી કાઢવા મરાઠી યુવાનોએ કામ કર્યું, પણ તમે તો અમને જ મામા બનાવવા નીકળ્યા. જો તમે મરાઠાઓનું નુકસાન કરવાના હશો તો અમે એકનાથ શિંદેની બધી જ સીટો પાડીશું. શિંદેસાહેબની હું એટલી સીટો પાડીશ કે તેમને જીવનભર પશ્ચાત્તાપ થશે. તેમની બધી સીટ સુવડાવી દઈશ. એકનાથ શિંદે, અમે તમારું કામ કરતા હતા પણ તમે મારી વિરુદ્ધમાં ફરી ગયા, તમારો ગદ્દારીનો ડાઘ અમે ભૂંસવાના હતા પણ તમે દગો દીધો. શરદ પવાર હવે ઘરડા થઈ ગયા છે એટલે અજિતદાદા અને એકનાથ શિંદે માટે મરાઠાઓએ જોરદાર મતદાન કર્યું. શિંદેસાહેબ, તમે ઉપકારનો બદલો આપશો એમ લાગ્યું હતું. અમે અમારી જાત નિચોવીને કામ કર્યું, ચૂંટણીમાં તમારી પાસેથી કોઈએ પૈસા લીધા હોય તો અમને દેખાડો. ફડણવીસસાહેબ મરાઠાઓને કારણે સત્તા પર બેઠા છે. એથી બધું જ બહાર કાઢવાની અમને ફરજ ન પાડો. શિંદેસાહેબ માટે અમે ખૂબ ખસ્તા ખાધા છે, પણ તમે તો અમારું જ ગળું ભીંસવા નીકળ્યા. તમારી ગદ્દારીનો ડાઘ અમે ભૂંસવાના હતા, પણ તમે સત્તામાં ગયા એથી શું અમને જ દબાવશો? શિંદેસાહેબ, તમે ડબલ ગેમ રમી રહ્યા છો કે? ઉદ્ધવ ઠાકરેને સારા કહેવા પડે એવો સમય ન આવવા દો.’ 
ચંદ્રકાન્ત બાવનકુળેના કહેવાથી મરાઠાઓનાં સર્ટિફિકેટ કૅન્સલ કરાઈ રહ્યાં છે, બાવનકુળે એટલા મોટા થઈ ગયા છે કે શું એવો સવાલ કરીને મનોજ જરાંગેએ વધુમાં પૂછ્યું હતું કે ‘ફડણવીસે બાવનકુળેને આટલા અધિકાર આપ્યા છે? શિંદેસાહેબ, હું તમને ઉઘાડા પાડી શકું છું. ૨૫-૩૦ તમારા અને ૨૫-૩૦ બાવનકુળેને લીધે ફડણવીસના તોડી શકું છું. શિંદેસાહેબ, મરાઠાઓનો ઘાત ન કરતા. મેં રાધાકૃષ્ણ વિખે પાટીલ અને પ્રસાદ લાડને ત્રણથી ૪ વાર કહ્યું છે. ઉદય સામંતસાહેબને પણ કહ્યું છે તો શું આ ફડણવીસની ચાલ છે? કે પછી બાવનકુળે તેમનું સાંભળતા જ નથી? ફડણવીસસાહેબ, મગજમાં હવા ભરાઈ ગઈ હોય તો કાઢી નાખો.’ 

જાતિચકાસણી સમિતિનું કામ સુપ્રીમ કોર્ટેના  નિર્દેશ પ્રમાણે ચાલે છે : દેવેન્દ્ર ફડણવીસ 
મનોજ જરાંગેના આક્ષેપો વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મનોજ જરાંગે પાટીલ શું બોલ્યા એ મેં નથી સાંભળ્યું, પણ હું સ્પષ્ટ કહીશ કે પ્રમાણપત્ર જાતિચકાસણી સમિતિ પાસે જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય હેઠળ કામ થતું હોય છે. એમાં રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એ સમિતિ સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે જ કામ કરતી હોય છે. હવે કેટલાં કુણબી સર્ટિફિકેટ કૅન્સલ થયાં એ મને નથી ખબર. હું એટલું કહી શકું કે તેમની પાસે બહુ મોટી સંખ્યામાં અલગ-અલગ સર્ટિફિકેટ આવતાં હોય છે. એમાંથી ૧૦-૧૨ ટકાનો રિજેક્શન-રેટ છે એમનો. તેમની પાસે જે કુણબી સર્ટિફિકેટ આવે છે એમાંથી પણ ૧૦ ટકા અને ક્યારેક તો વળી પચીસ ટકા રિજેક્ટ થાય છે. એથી કોઈ જાણીજોઈને એ રિજેક્ટ કરે છે એવું નથી. એમ છતાં જો કોઈનો આક્ષેપ હોય તો અમે જોઈશું. ઉચ્ચ અધિકારીઓ એમાં ધ્યાન આપશે. પ્રોસીજર બરોબર ફૉલો થઈ છે કે નહીં એ આપણે જોઈ શકીએ. એમાં અપીલ પણ કરી શકાતી હોય છે. અમે સત્તામાં છીએ છતાં ભારતીય જનતા પાર્ટીના અનેક જિલ્લા-પરિષદના સભ્યોનાં અને નગરસેવકોનાં સર્ટિફિકેટ જાતિચકાસણી સમિતિએ રદ કર્યાં છે. આમાં કોઈ પણ રાજકીય હસ્તક્ષેપ નથી હોતો, સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર જ કામ થતું હોય છે.’ 

mumbai news mumbai eknath shinde uddhav thackeray shiv sena manoj jarange patil maratha reservation devendra fadnavis maharashtra government maharashtra news maharashtra