02 September, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર આવી પહોંચેલી એક ટ્રેનના મોટરમૅનની કૅબિનમાં જઈને તેમણે પોસ્ટર લગાડ્યું હતું.
મરાઠા આંદોલનકારીઓ રસ્તા પર નહાય, ખાય, સૂએ, રમે અને નાચે એ કદાચ હજી પણ ચલાવી લેવાય; પણ લોકલ ટ્રેનના મોટરમૅનની કૅબિનમાં ઘૂસી જઈને એની અંદર એક મરાઠા લાખ મરાઠાનું પોસ્ટર લગાડવું એ સેફ્ટીની દૃષ્ટિએ જોખમી હોવાથી ન જ ચલાવી શકાય એવો મત ગઈ કાલે મુંબઈગરાઓએ વ્યક્ત કર્યો હતો. મરાઠાઓ ગઈ કાલે ભાન ભૂલ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર આવી પહોંચેલી એક ટ્રેનના મોટરમૅનની કૅબિનમાં જઈને તેમણે પોસ્ટર લગાડ્યું હતું.
CSMT હાલમાં મરાઠાઓના તાબામાં હોવાનો માહોલ છે. સ્ટેશન પર હજારોની સંખ્યામાં મરાઠાઓએ ડેરો જમાવ્યો છે. તેઓ ત્યાં પ્લૅટફૉર્મ પર જ કબડ્ડી રમે છે. ત્યાં જ હલગી (ત્રાંસા) પર નાચે છે, નારાબાજી કરે છે. ગઈ કાલે તો હદ જ થઈ ગઈ હતી. CSMT પર એક લોકલ ટ્રેન આવી રહી હતી ત્યારે ટ્રેનની બન્ને તરફનાં પ્લૅટફૉર્મ પર સેંકડોની સંખ્યામાં મરાઠા ગોઠવાઈ ગયા હતા. ટ્રેનને લાસ્ટ પૉઇન્ટ સુધી જવા પણ ન દેવાઈ અને થોડે દૂર જ રોકી દેવામાં આવી હતી. એ પછી જોરદાર નારાબાજી કરવામાં આવી અને કોઈ એક મરાઠાએ મોટરમૅનની કૅબિનમાં જબરદસ્તી ઘૂસી જઈને કાચ પર એક મરાઠા લાખ મરાઠાનું પોસ્ટર લગાડી દીધું. એ પછી જાણે કોઈ બહુ મોટો જંગ જીત્યા હોય એવો માહોલ સર્જાયો હતો અને કેટલાક મરાઠા તો ટ્રેનની સામે ટ્રૅક પર ઊતરીને નાચવા લાગ્યા હતા.