રાજ્યમાં મૅન્યુઅલ સફાઈ નાબૂદ થાય એની ખાતરી કરવાની જવાબદારી રાજ્ય સરકારની

18 September, 2021 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૩થી અત્યાર સુધીમાં કેટલા સફાઈ-કામદાર મૃત્યુ પામ્યા છે અને કેટલાના પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે એ વિશે પણ હાઈ કોર્ટે પ્રશ્ન કર્યો હતો

૨૦૧૩નો અધિનિયમ જણાવે છે કે મૅન્યુઅલ સફાઈને સમાજમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે એ તમામ રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવાનું રહેશે

મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સફાઈ-કામદારોની મૅન્યુઅલી કામ કરવાની શરમજનક પ્રથા સદંતર નાબૂદ થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

૨૦૧૩માં સફાઈ-કામદારોનો પુનર્વસન અધિનિયમ લાગુ કરવાને પગલે તેમના રોજગાર પર પ્રતિબંધ મૂક્યા બાદ તેમના પુનર્વસન માટે લીધેલાં પગલાંની માહિતી જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાં અને માધવ જમાદારની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર પાસે માગી હતી. ૧૯૯૩થી અત્યાર સુધીમાં કેટલા સફાઈ-કામદાર મૃત્યુ પામ્યા છે અને કેટલાના પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે એ વિશે પણ હાઈ કોર્ટે પ્રશ્ન કર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં ગોવંડીની ખાનગી સોસાયટીની સૅપ્ટિક ટૅન્કની સફાઈ કરતી વખતે મૃત્યુ પામેલા ત્રણ કામદારોની પત્નીઓએ દાખલ કરેલી અરજીની સુનાવણી કોર્ટ કરી રહી હતી. અરજીકર્તાઓએ તેમના પતિના મૃત્યુ સામે સરકારી નિયમ મુજબના વળતરની માગણી કરી હતી. ગઈ કાલે કોર્ટે મુંબઈના પરાંના કલેક્ટરને ત્રણે અરજીકર્તાઓને એક મહિનાની અવધિમાં ૧૦ લાખ રૂપિયા વળતરપેટે આપવાનો આદેશ આપ્યો હતો, જે કલેક્ટરે તેમના મૃત્યુ માટે જવાબદાર સંસ્થા કે વ્યક્તિ પાસેથી વસૂલ કરવાના રહેશે. 

mumbai mumbai news mumbai high court