મેં પક્ષના નેતાઓને કહ્યું હતું કે વઝે આપણે માટે મુસીબત નોતરી શકે છેઃ સંજય રાઉત

30 March, 2021 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનઆઇએને મીઠી નદીમાંથી લૅપટૉપ, સીપીયુ, હાર્ડ ડિસ્ક અને નંબર-પ્લેટ મળી આવ્યાં

મીઠી નદીમાં મળ્યા અનેક પુરાવા

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘જ્યારે સચિન વઝેને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પાછો સમાવી લેવાનો નિર્ણય લેવાયો ત્યારે જ મેં પક્ષના કેટલાક નેતાઓને કહ્યું હતું કે તે આપણા માટે મુસીબત બની શકે છે. તેની કામ કરવાની સ્ટાઇલ સરકાર માટે મુસીબત સર્જી શકે. પત્રકાર રહી ચૂકવાના કારણે મને એવું લાગી રહ્યું છે કે વઝે માણસ ખરાબ નથી, પણ કેટલાક સંજોગોને કારણે એવું બની શકે.’

 સંજય રાઉતે વધુમાં કહ્યું કે સારું થયું કે આ બન્યું, આના કારણે શિવસેના અને મહા વિકાસ આઘાડીની સરકારને સબક મળ્યો. જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે તેને સપોર્ટ કરતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સીએમ તેને સપોર્ટ કરતા હતા એ ખરું, પણ હવે જ્યારે તેની કરણી ખુલ્લી પડી ગઈ છે ત્યારે તેને બચાવવાનો કોઈ અર્થ નથી.’

એનઆઇએને બે પોલીસ ઇન્સ્પેક્ટરની તલાશ

એનઆઇએને મનસુખ હિરણ કેસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરની તલાશ છે. એનઆઇએને તપાસમાં જાણવા મળેલી વિગતો મુજબ જે રાતે મનસુખ હિરણની હત્યા થઈ ત્યારે સચિન વઝે અને મનસુખ હિરણ એક જ કારમાં હતા. ઘોડબંદર રોડ પર ગાયમુખ પાસે અડધો કલાક કાર ઊભી હતી. કારમાં જ મનસુખ હિરણની હત્યા કરાઈ હતી, પણ પછી તેના મૃતદેહને મુમ્બ્રાના રેતી બંદર ખાતે સગેવગે કરવાનો હતો. એથી કારને મુમ્બ્રા રેતી બંદર લઈ જવી પડે એમ હતી. ત્યારે રસ્તામાં નાકાબંધીમાં તેમની કારનું ચેકિંગ ન થાય એ માટે એક પોલીસ ઇન્સ્પેક્ટર એ કારની આગળ-આગળ નીકળ્યો હતો અને કારને એસ્કોર્ટ કરી હતી. બીજું, સચિન વઝે એ વખતે પોતે સીઆઇયુમાં જ હાજર હતો એમ દર્શાવવા માગતો હતો, એથી તેણે પોતાનો ફોન ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઇને આપ્યો હતો અને ત્યાં જ રહેવાનું કહ્યું હતું. વળી એવી સૂચના પણ આપી હતી કે જો કોઈ પણ વ્યક્તિનો ફોન આવે તો ઉપાડવો અને કહેવું કે સાહેબ બીઝી છે. આ બન્નેની એનઆઇએને તલાશ છે. એ ઉપરાંત બે શકમંદને પણ એનઆઇએ શોધી રહી છે, જેમાંની એક વ્યક્તિ જેણે મનસુખ હિરણનો ફોન લઈ વસઈ સુધી જઈ ત્યાંની ખાડીમાં નાખી દીધો જેથી તપાસકર્તા પોલીસને ચકરાવે ચડાવી શકાય અને બીજો શકમંદ જે પહેલેથી જ મુમ્બ્રા રેતી બંદર પાસે મનસુખ હિરણની લાશ સગેવગે કરવા, ખાડીમાં નાખી દેવાની તૈયારી સાથે પહોંચી ગયો હતો.

મીઠી નદીમાં મળ્યા અનેક પુરાવા

એનઆઇએની તપાસ દરમિયાન રિયાઝ કાઝીએ કહ્યું હતું કે કુર્લાની મીઠી નદીમાં પુરાવાનો નાશ કરાયો છે. એથી એનઆઇએની એક ટીમ રવિવારે સચિન વઝેને લઈને મીઠી નદી ગઈ હતી. ડાઇવર્સની મદદથી તપાસ કરવામાં આવતાં તેમને સચિન વઝે થાણેની જે સોસાયટીમાં રહે છે ત્યાંનું ડિજિટલ વિડિયો રેકૉર્ડર, રાઉટર, કાટ્રેજ, લૅપટૉપ, બે સીપીયુ, હાર્ડ ડિસ્ક અને એક જ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બે નંબર-પ્લેટ મળી આવી હતી.

mumbai mumbai news indian politics