દાપચરી ચેકપોસ્ટ પર ફરજિયાત કોવિડ-૧૯ ટેસ્ટનો કારભાર છે...ભગવાન ભરોસે

21 December, 2020 08:15 AM IST  |  Mumbai | Diwakar Sharma, Shirish Vaktania

દાપચરી ચેકપોસ્ટ પર ફરજિયાત કોવિડ-૧૯ ટેસ્ટનો કારભાર છે...ભગવાન ભરોસે

કારમાંના પ્રવાસીઓનું બૉડી-ટેમ્પરેચર ચેક કરાય છે. તસવીરો : હનીફ પટેલ

ગુજરાત અને મહારાષ્ટ્રની બૉર્ડર પરના દાપચરી ચેકપોસ્ટ પરથી અંદાજે 10000 વાહનો રોજ રાજ્યમાં પ્રવેશે છે. 

મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતા હાઇવેના દાપચરી ચેકપોસ્ટ ખાતે હેલ્થ વર્કર્સની તંગીને કારણે કોરોના રોગચાળા પર નિયંત્રણની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. હેવી કેસલોડ ધરાવતાં રાજ્યો ગુજરાત, રાજસ્થાન, ગોવા અને દિલ્હીથી આવતા લોકોને કોરોના ટેસ્ટ રિપોર્ટ આપવાની અનિવાર્યતાનો આદેશ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સંજય કુમારે બહાર પાડ્યો હતો.
એ આદેશને પગલે રાજ્યમાં આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરવા માટે રેલવે-સ્ટેશનો અને ઍરપોર્ટની માફક હાઇવે પર પણ હેલ્થ વર્કર્સની વ્યવસ્થા આવશ્યક છે, પરંતુ દાપચરી ચેકપોસ્ટ પર હેલ્થ વર્કર્સની તંગીને કારણે રાજ્ય સરકારની એ અનિવાર્ય જોગવાઈનો અમલ જોખમમાં મુકાયો છે. ‘મિડ-ડે’ના સંવાદદાતાએ સતત બે દિવસ દાપચરી ચેકપોસ્ટની સ્થિતિનું નિરીક્ષણ કરતાં વાહનોમાં આવતા લોકોના હેલ્થ-સ્ક્રીનિંગમાં બેદરકારી જોવા મળતી હતી. ત્યાં કમર્શિયલ વાહનોના ડ્રાઇવર અને હેલ્પરનું સહેજ પણ સ્ક્રીનિંગ કરવામાં ન આવતું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. 

બૉડી-ટેમ્પરેચર વધારે હોય તો નાકમાંથી સ્વૅબ લઈને તાત્કાલિક ટેસ્ટ કરવા અને રિપોર્ટ પૉઝિટિવ આવે તો એ વ્યક્તિને દહાણુની સરકારી કોવિડ ફૅસિલિટીમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં એ વ્યવસ્થાનું પૂર્ણપણે પાલન થતું નથી.
ચેકપોસ્ટના મૅનેજર નીરજ દીક્ષિતે જણાવ્યું હતું કે ‘દાપચરી ચેકપોસ્ટ પર હેવી કમર્શિયલ વેહિકલ્સ માટે ૯ અને કાર તથા બસ જેવાં વાહનો માટે ૩ બૂથ રાખવામાં આવ્યાં છે. એ ચેકપોસ્ટ પર દરરોજ ગુજરાતની દિશામાંથી ૯૦૦૦થી ૧૦,૦૦૦ વાહનો મહારાષ્ટ્રમાં પ્રવેશે છે. અગાઉ તમામ બૂથ પર કમર્શિયલ વેહિકલ્સના ડ્રાઇવર્સ અને હેલ્પર્સનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવતું હતું, પરંતુ કેટલાક દિવસથી એ વાહનો માટે અનામત રાખવામાં આવેલાં ૯ બૂથ પર આરોગ્ય ખાતાના અધિકારીઓએ સ્ક્રીનિંગ બંધ કર્યું છે. એ ઉપરાંત કાર અને બસમાં આવતા લોકોનું સ્ક્રીનિંગ પણ બંધ કર્યું છે.’

shirish vaktania diwakar sharma mumbai maharashtra gujarat