સિનિયર સિટિઝનની બનાવટી સહી કરીને જમીન પડાવી લેવાના આરોપસર પોલીસમાં થઈ ફરિયાદ

19 January, 2022 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિનિયર સિટિઝન ફરિયાદી જેરોમ ડિસોઝાએ પહેલાં ઍરપોર્ટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લેમાં આવેલી જમીનના એક પ્લૉટના કેસમાં ૭૪ વર્ષના સિનિયર સિટિઝને ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટરોએ તેની ખોટી સહી કરીને અને બીજી વ્યક્તિનો ફોટો લગાડીને તેની સાથે છેતરપિંડી કરી એ જમીનનો હિસ્સો તેમણે વેચ્યો છે એમ કહી એ જમીન હડપ કરી લીધી છે. 
સિનિયર સિટિઝન ફરિયાદી જેરોમ ડિસોઝાએ પહેલાં ઍરપોર્ટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી. એ પછી કોર્ટે આદેશ આપતાં ઍરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. 
જેરોમ ડિસોઝાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ‘પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટરો દેવેન રાઘાણી અને નૈનેશ પરીખે એ જમીનમાં તેનો જે ૨૦ ટકાનો ભાગ હતો એ માટેનું કન્વેયન્સ ડીડ
 તેની જાણ બહાર બનાવી નાખ્યું 
હતું અને એના પર તેની બનાવટી સહી કરી હતી અને ફોટો પણ કોઈ અન્ય વ્યક્તિનો લગાડવામાં આવ્યો હતો.’ 
કન્વેયન્સ ડીડ એવો દસ્તાવેજ છે જેમાં વેચાણકર્તા તેના બધા જ અધિકારો લિગલ ઓનરને ટ્રાન્સફર કરે છે. ઍરપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર આ જ પ્રકારનો અન્ય એક કેસ દેવેન રાઘાણી સામે મુંબઈના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો છે. પોલીસે કહ્યું હતું કે અમે આ કેસમાં આરોપીઓની શું ભૂમિકા હતી એની ચકાસણી કરી રહ્યા છીએ.
સામા પક્ષે દેવેન રાઘાણીએ કહ્યું હતું કે ‘જેરોમ ડિસોઝાએ તેમની સામે કરેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અમે એ જમીન તેમના ભત્રીજા એલ. એન. ડિસોઝા પાસેથી ૨૦૦૮માં ખરીદી હતી. જોકે ૨૦૧૦માં એ ડીલ અમે કૅન્સલ કરી હતી. અમે એલ. એન. ડિસોઝાને એ માટે નવ લાખ રૂપિયા પણ ચૂકવ્યા છે. અમે એફઆઇઆર કૅન્સલ કરાય એ માટે કોર્ટમાં જઈશું.’  

mumbai mumbai news Crime News mumbai crime news vile parle mumbai police