લોકોને છેતરીને ૧.૨૭ કરોડ પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

14 April, 2021 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોકાણકારોને મહિને ચારથી પાંચ ટકા વળતર આપવાની લાલચ આપતો: અલગ-અલગ પોલીસની સંયુક્ત કાર્યવાહી રંગ લાવી

પોલીસકસ્ટડીમાં પકડાયેલો આરોપી પંકજ બાગલ

થાણેના કોપરીમાં આવેલી મંગલા સ્કૂલની પાછળ મેસર્સ સ્પાઇક ઍન્ડ ફૉર્ચ્યુન ટ્રેડિંગ સર્વિસિસના નામે ઑફિસ ખોલી દુબઈમાં ફૉરેન એક્સચેન્જની મદદથી ઇન્વેસ્ટમેન્ટ કરી મહિને ૧૦થી ૧૫ ટકા કમાઈએ છીએ એવી હવા ઊભી કરી અનેક રોકાણકારોને મહિને ચારથી પાંચ ટકા વળતર આપવાની લાલચ આપી ૧.૨૭ કરોડ રૂપિયામાં છેતરનાર ગઠિયો પંકજ બાગલ આખરે ચાર મહિને પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

  મૂળમાં ફરિયાદ કોપરી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યાર બાદ ઍન્ટિ-એક્સ્ટોર્શન સેલે આરોપીને પકડવામાં મદદ કરી હતી અને હવે એ કેસની તપાસ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ કરી રહી છે.

બોરીવલીમાં રહેતાં અંજના રામ સુબ્રમણ્યમે કોપરી પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે જાન્યુઆરી મહિનામાં પંકજ બાગલ સામે ફરિયાદ કરી હતી, પણ પંકજ પોલીસને હાથ ચડી નહોતો રહ્યો. આખરે ઍન્ટિ-એક્સ્ટોર્શન સેલની મદદ લેવામાં આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે આ જ પ્રકારના છેતરપિંડીના કેસમાં આ પહેલાં રબાળે પોલીસના હાથે ઝડપાયો હતો. તેની સામે છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

mumbai mumbai news Crime News mumbai crime news thane thane crime