રસ્તા પરથી મળેલા રેલવે-ટેક્નિશ્યનના આઇ કાર્ડ પર પોતાનો ફોટો ચોંટાડી દીધો

20 May, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના હાવભાવ પર શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવતાં ઘટનાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસ જેનું આઇ કાર્ડ છે તેના સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રસ્તા પરથી મળેલા રેલવે-ટેક્નિશ્યનના આઇ કાર્ડ પર પોતાનો ફોટો ચોંટાડીને છેલ્લા ત્રણ મહિનાથી રેલવેમાં મફત મુસાફરી કરતા નીલેશ ધનજી ટંડેલની રવિવારે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ભાઈંદર રેલવે-સ્ટેશન પરથી ધરપકડ કરી હતી. રવિવારે સવારે ટિકિટ-કલેક્ટર (TC) હરમન સિંહ ભાઈંદરમાં કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે નીલેશને ટિકિટ વિશે પૂછતાં તેણે પોતાની ઓળખ સ્ટાફ તરીકે આપી હતી. જોકે તેના હાવભાવ પર શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવતાં ઘટનાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસ જેનું આઇ કાર્ડ છે તેના સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.

વસઈ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘TCની ફરિયાદ બાદ ગુનો નોંધીને અમે નીલેશની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતીમાં તેણે કબૂલાત કરી હતી કે તેને રસ્તા પરથી નીતિન કુંડલિક તાંડેલનું આઇ કાર્ડ મળ્યું હતું જેમાં તેણે પોતાનો ફોટો ચોંટાડી રેલવે મુસાફરી દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી એનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં મહત્ત્વનું એ છે કે જેનું આઇ કાર્ડ ગુમ થયું હતું તેને આ ઘટના વિશે જાણ છે કે નહીં, તેણે નવું આઇ કાર્ડ બનાવ્યું છે કે નહીં એની પણ તપાસ ચાલી રહી છે.’

vasai railway protection force mumbai railway vikas corporation mumbai railways indian railways crime news mumbai crime news mumbai police news mumbai mumbai news