મમતા બૅનરજી મુંબઈમાં આજે શરદ પવારને મળશે

01 December, 2021 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેને પણ મળવાનાં હતાં, પરંતુ તેમની તબિયત સારી ન હોવાથી માત્ર આદિત્યને જ મળી શક્યાં

ત્રણ દિવસની મુંબઈની મુલાકાતે આવેલાં મમતા બૅનરજીએ ગઈ કાલે સાંજે સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં. શાદાબ ખાન

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ત્રણ દિવસની મુંબઈની મુલાકાતે આવ્યાં છે. ગઈ કાલે સાંજે મુંબઈમાં આવીને તેમણે સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિદાદાનાં દર્શન કરવાની સાથે ૨૦૦૮માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને જીવતો પડકવામાં શહીદ થયેલા નાયબ સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બળેના પૂતળાને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના ચીફ શરદ પવારને મળવાનાં હતાં. જોકે ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી ન હોવાથી તેમને બદલે મમતા બૅનરજી આદિત્ય ઠાકરેને ગઈ કાલે મળ્યા હતા. સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત બાદ મમતા બૅનરજીએ જય ‘મરાઠા, જય બાંગ્લા’નો નારો લગાવ્યો હતો.
મમતા બૅનરજી શરદ પવાર અને બીજી વખત આદિત્ય ઠાકરે ઉપરાંત મુંબઈમાં કેટલાક મોટા ઉદ્યોગપતિઓને મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં રોકાણ વધારવાના આશયથી મમતા બૅનરજી ઉદ્યાગેપતિઓની મુલાકાત કરવા માગતાં હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના ગઠબંધનની સરકાર છે. મમતા બૅનરજી શિવસેના અને એનસીપીના નેતાઓને મળી રહ્યાં છે, પરંતુ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ સાથે તેમણે કોઈ સંપર્ક નથી કર્યો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને બીજેપીનો સામનો કરવા માટે મમતા બૅનરજીની પાર્ટી ટીએમસીએ વિરોધ પક્ષોની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે કૉન્ગ્રેસને આમંત્રણ નહોતું આપ્યું. સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા પહેલાં પણ ટીમએમસી વિપક્ષોના તમામ પક્ષોની બેઠકમાં સામેલ નહોતી થઈ. મમતા બૅનરજી એવા સમયે શરદ પવાર અને આદિત્ય ઠાકરેને મળી રહ્યા છે જ્યારે ટીમએસી અને કૉન્ગ્રેસના સંબંધ સારા નથી. તેમની આ મુલાકાતથી અનેક રાજકીય અટકળો લગાવાઈ રહી છે.
મુંબઈમાં ગઈ કાલે સાંજે પહોંચ્યા બાદ મમતા બૅનરજી સીધા સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા. અહીં તેમણે ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હોવાનું કહ્યું હતું. દર્શન બાદ તેમણે ‘જય મરાઠા, જય બાંગ્લા’નો નારો લગાવતા કહ્યું કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ વચ્ચે સારો તેલમેલ છે. હોટેલમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથેની બેઠકમાં ઔચારિક વાતો થઈ હતી. 

Mumbai mumbai news uddhav thackeray mamata banerjee