પતંગ ચગાવવાની આપણી મજા બની પક્ષીઓ માટે સજા

17 January, 2023 09:38 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈમાં માંજાએ ૯૦૦થી વધુ પક્ષીનાં પીંછાં કાપી નાખ્યાં, જ્યારે હજારો પક્ષીઓનો જીવ લીધો : ફક્ત કાં‌દિવલીમાં જ ૩૫૦ પક્ષીઓ જખમી થયાં

મુંબઈમાં અનેક ઠેકાણે પક્ષીઓ માટે મેડિકલ કૅમ્પનું આયોજન કરાયું હતું

મુંબઈમાં ર‌વિવારે ધામધૂમથી લોકોએ મકરસંક્રાન્તિ ઊજવી હતી. જોકે લોકો અને બાળકો પતંગો ચગાવી રહ્યા હતા ત્યારે આકાશમાં ફરતાં અનેક પક્ષીઓ એમની પાંખ કપાઈ ગઈ હોવાથી જખમી થયાં હતાં તો ઘણાં મૃત્યુ પામ્યાં હતાં. મુંબઈમાં ૯૦૦થીયે વધુ પક્ષીઓ અને કબૂતરો જખમી થયાં હતાં અને અનેકે જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મલાડથી દહિસર વચ્ચે સૌથી વધુ પક્ષીઓ જખમી થયાં હતાં અને એમાં કાંદિવલી સૌથી મોખરે છે.  

આખા મુંબઈમાં વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા ૩૦થી વધુ ફ્રી બર્ડ મેડિકલ કૅમ્પ યોજવામાં આવ્યા હતા. એમાં ૯૦૦થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યાં હતાં, જ્યારે હજારો પક્ષીઓનાં મૃત્યુ થયાં હતાં. દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડમાં જ ૬૫૦થી વધુ પક્ષીઓ જખમી થયાં હતાં. એમાંથી કાંદિવલીમાં જ ૩૫૦ પક્ષીઓ જખમી થયાં હોવાનું જાણવા મળ્યું હતું.

ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇ‌ન્ડિયાના ઑનરરી ઍનિમલ વેલ્ફેર ઑફિસર મિતેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમની સંખ્યા સમાપ્ત થતી નથી. ખરી કસોટી મકરસંક્રાન્તિ પછી હોય છે. ફાયર બ્રિગેડ અને એનજીઓને આખા વર્ષ દરમિયાન પક્ષીઓ ફસાઈ ગયાં હોવાના કૉલ આવતા હોય છે. એમાંથી ઘણાં પક્ષીઓ મૃત્યુ પામે છે અથવા ઘાયલ થાય છે અને જીવનભર ઊડી શકતાં નથી. જેઓ ઊડી શકતાં નથી એમને જીવનભર આશ્રયસ્થાનોમાં રાખવાં પડે છે. નવાઈની વાત એ છે કે પ્રતિબંધ હોવા છતાં ઘણી જગ્યાએ ચાઇનીઝ માંજાનું આડેધડ વેચાણ થઈ રહ્યું હતું, જેને કારણે પક્ષીપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ માંજાને કારણે પક્ષીઓ ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે. અનેક વખત લોકો પણ ઘાયલ થાય છે. એમ છતાં લોકો પોતાની મજા કરવા એનો ઉપયોગ કરે છે. સંસ્થાઓ દ્વારા રૅલીઓ, ફેસબુક અને વૉટ્સઍપના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી હોવાથી લોકો પતંગો ઓછી ઉડાવવા લાગ્યા છે. પોતાના આનંદ માટે પક્ષીઓને સજા આપવી યોગ્ય નથી. આપણે મીઠાઈઓ અને લાડુ ખાઈને પણ મકરસંક્રાન્તિની ઉજવણી કરી શકીએ છીએ. આ તહેવાર ખુશીનો છે, કોઈને દુઃખ આપવાનો નથી.’

mumbai mumbai news makar sankranti preeti khuman-thakur