18 July, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેશ ટ્યુટોરિયલ્સનું સેન્ટર
શિક્ષણક્ષેત્રમાં મોટું નામ ધરાવતા મહેશ ટ્યુટોરિયલ્સ દ્વારા ગયા અઠવાડિયે મહારાષ્ટ્રભરમાં ચલાવાતાં કુલ ૩૩ કોચિંગ સેન્ટર અચાનક જ બંધ કરી દેવામાં આવતાં એમાં ઍડ્મિશન લેનારા વિદ્યાર્થીઓ ઉપરાંત ત્યાં કામ કરતા ટીચર્સ અને અન્ય સ્ટાફનું ભાવિ અધ્ધરતાલ છે. આ શૈક્ષણિક વર્ષ માટે મહેશ ટ્યુટોરિયલ્સ દ્વારા આખા મહારાષ્ટ્રમાં દસમા અને બારમા ધોરણના આશરે ૨૫૦૦ વિદ્યાર્થીઓએ ઍડ્મિશન લીધું હતું, જેમાં ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) અને સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના વિદ્યાર્થીઓનો સમાવેશ પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે ૭ જુલાઈએ મહેશ ટ્યુટોરિયલ્સ ચલાવનારી પેરન્ટ કંપની એમટી એડ્યુકૅર લિમિટેડ દ્વારા બધા જ બ્રાન્ચ હેડની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ૧૦ જુલાઈથી ૩૩ સેન્ટરોને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે એ પહેલાં જ વિદ્યાર્થીઓના ઍડ્મિશનની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી હતી તથા વાલીઓ પાસેથી ફી પણ વસૂલી લેવામાં આવી હતી. આ બાબતે હજી સુધી મહેશ ટ્યુટોરિયલ્સ પાસેથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
અહેવાલો મુજબ ૧૯૮૮માં સ્થપાયેલી મહેશ ટ્યુટોરિયલ્સ ચલાવતી પેરન્ટ કંપની એમટી એડ્યુકૅર લિમિટેડના ૨૦૨૫માં થયેલા ઑડિટ મુજબ એ ખોટમાં ચાલી રહી હતી અને આર્થિક સંકટનો સામનો કરી રહી હતી. એના પર ૭૪.૨૪ કરોડ રૂપિયાનું દેવું હોવાનું ઑડિટ રિપોર્ટ પરથી જણાયું હતું જેને કારણે ૩૩ સેન્ટર બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
વાલીઓની અને વિદ્યાર્થીઓની કફોડી પરિસ્થિતિ જોતાં આ મામલે એક શૈક્ષણિક સંસ્થા દ્વારા મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનો તથા સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પત્ર લખીને આ વિષયમાં દખલ દઈને માર્ગ કાઢવાની માગણી કરવામાં આવી છે. ભવિષ્યમાં જો કોઈ ઉકેલ ન આવે તો પોલીસ-ફરિયાદ પણ કરવામાં આવે એવી શક્યતા છે.
મહેશ ટ્યુટોરિયલ્સમાં પોતાનાં બાળકોનું ઍડ્મિશન કરાવનારા વાલીઓના જણાવ્યા મુજબ તેમણે અગિયારમા ધોરણમાં ઍડ્મિશન લેવા માટે ૧.૮ લાખ રૂપિયા અને બારમા ધોરણમાં ઍડ્મિશન લેવા માટે ૨.૪ લાખ રૂપિયા ફી ચૂકવી હતી, જ્યારે લૉન્ગ-ટર્મ કોચિંગ પ્રોગ્રામ માટે ચારથી પાંચ લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી હતી. આમાંના અનેક વાલીઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જેમતેમ કરીને પૈસા ભેગા કરીને, ઉછીના કે સંબંધીઓ પાસેથી પૈસા માગીને પણ ફી ચૂકવી હોવાનું કહેવાય છે. બીજે ઍડ્મિશન લેવાની માથાકૂટ તો ઠીક, પણ આ પૈસા જો ચાંઉ થઈ જાય તો શું કરશે એ યક્ષપ્રશ્ન વાલીઓને મૂંઝવી રહ્યો છે.