અમારે ત્યાં બનાવટી દવાઓ નહીં ચાલે, અનિલ દેશમુખે બાબા રામદેવને કહ્યું

26 June, 2020 11:53 AM IST  |  Mumbai | Agencies

અમારે ત્યાં બનાવટી દવાઓ નહીં ચાલે, અનિલ દેશમુખે બાબા રામદેવને કહ્યું

કોરોના ઇન્ફેક્શનની દવા પતંજલિ આયુર્વેદ કંપનીમાં ઉપલબ્ધ હોવાના યોગગુરુ બાબા રામદેવના દાવાનો જવાબ આપતાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે અમારા રાજ્યમાં ભ્રામક અને મિથ્યા દવાઓ વેચવા નહીં દેવાય. બાબા રામદેવે ગયા મંગળવારે કોરોનિલ નામની પતંજલિ આયુર્વેદની દવા કોરોનાના ઉપચારમાં પ્રભાવક હોવાનો દાવો કર્યો હતો.

અનિલ દેશમુખે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘પતંજલિ આયુર્વેદની કોરોનિલ દવાના ક્લિનિકલ ટેસ્ટ્સ કરવામાં આવ્યા હતા કે નહીં એની જાહેરાત જયપુરની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ( NIMS) કરશે, પરંતુ બાબા રામદેવ એક વાત ધ્યાનમાં રાખે કે મહારાષ્ટ્રમાં ભ્રામક અને મિથ્યા પ્રકારની બનાવટી દવાઓ વેચવા નહીં દેવાય. રાજ્યમાં લોકોના જીવન સાથે રમત થાય એવી દવાઓ ચલાવી નહીં લેવાય. અમે રાજ્યના નાગરિકોની કાળજી રાખીએ છીએ.’

અનિલ દેશમુખે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કોરોનિલના ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં ન આવ્યાં હોવાથી પતંજલિ આયુર્વેદ કંપનીને એ દવા વેચવાની પરવાનગી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે આપી નથી. આયુષ મંત્રાલય કે ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ સાયન્સ (ICMS) તરફથી પરવાનગી આપવામાં ન આવી હોવા છતાં પતંજલિ આયુર્વેદ કંપની તરફથી ‘કોરોનિલ’ કોવિડ-19નો ઉપચાર કરતી દવા હોવાનો દાવો કરતી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ પ્રકાશિત કરવામાં આવતાં વિવિધ રાજ્યો તરફથી ફરિયાદો કરવામાં આવી છે. જો પતંજલિ આયુર્વેદ ‘કોરોનિલ’ વડે કોવિડ-19 મટાડવાનો દાવો કરતી ઍડ્વર્ટાઇઝમેન્ટ આપવામાં આવશે કે એ દવા વેચવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એ કંપનીની સામે ગુનો નોંધવામાં આવશે.’

baba ramdev mumbai news mumbai coronavirus covid19 lockdown maharashtra