12 August, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈ-ચલાન રદ કરવા માટે ઑલ મહારાષ્ટ્ર વ્હીકલ ઓનર્સ અસોસિએશનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ૫૦૦થી વધુ વ્હીકલ-ઓનર્સ જોડાયા હતા.
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટર્સ ઈ-ચલાન રદ કરવા માટે લાંબા સમયથી સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમને સંતોષકારક ઉકેલ ન મળવાને કારણે એક મહિના બાદ એટલે કે ૧૧ સપ્ટેમ્બરે રાજ્યભરમાં સ્કૂલબસ સહિત તમામ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટર્સ રસ્તા પર ચક્કા જામ કરશે. વાશીમાં ઑલ મહારાષ્ટ્ર વ્હીકલ ઓનર્સ અસોસિએશનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રાન્સપોર્ટ અસોસિએશનના મત પ્રમાણે ઈ-ચલાન વ્યવસ્થા ભૂલ ભરેલી છે. ખોટી રીતે ઈ-ચલાન હોવાનું કહીને પ્રાઇવેટ બસ, ટ્રક, સ્કૂલબસ, ટૅક્સી સહિતના ટ્રાન્સપોર્ટર્સે અગાઉ પણ હડતાળ કરીને ટ્રાન્સપોર્ટ વિભાગ સમક્ષ પોતાની માગણી રજૂ કરી હતી. ત્યારે સમિતિ રચીને એક મહિનામાં રિપોર્ટ રજૂ થાય એ મુજબ ઈ-ચલાન ઉપરાંત અન્ય માગણીઓ પર સરકાર ઠોસ પગલાં લેશે એવી ખાતરી આપી હતી. આ વાતને એક મહિનાથી વધુ સમય થઈ ગયો, પરંતુ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ટ્રાન્સપોર્ટ અસોસિએશન હવે ચક્કા જામનો રસ્તો અપનાવશે એમ સ્કૂલબસ ઓનર્સ અસોસિએશનના ચૅરમૅન અનિલ ગર્ગે જણાવ્યું હતું.