એફડીઆઇ ઇક્વિટીમાં મહારાષ્ટ્ર નંબર વન, ગુજરાત ત્રીજા નંબરે : કૉન્ગ્રેસ

18 September, 2022 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે...

ફાઇલ તસવીર

સેમી કન્ડક્ટર બનાવતી કંપની વેદાંતા-ફૉક્સકૉન કંપની બાબતે મહારાષ્ટ્ર સરકાર પર દોષારોપણ થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે કૉન્ગ્રેસે દાવો કર્યો હતો કે ઑક્ટોબર ૨૦૧૯થી અત્યાર સુધી રાજ્યોમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં મહારાષ્ટ્ર નંબર વન રહ્યું છે, જ્યારે ગુજરાત ત્રીજા નંબરે છે. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી સચિન સાવંતે ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડના રિપોર્ટનો સંદર્ભ ટાંકીને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે નવેમ્બર ૨૦૧૯થી ૨૦૨૨ દરમ્યાન મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં ઓછું વિદેશી રોકાણ આવ્યું હોવાનો દાવો કરવા સામે સવાલ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન તાકતાં સચિન સાવંતે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર પહેલેથી જ વિદેશી રોકાણના મામલે નંબર વન રાજ્ય છે તો તેઓ હજી કેવી રીતે રાજ્યને આગળ લઈ જશે? ’ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે ‘સેમી કન્ડક્ટરની કંપની બાબતે વિરોધીઓ ગુજરાતની ટીકા કરી રહ્યા છે. ગુજરાત પાકિસ્તાન નથી, એ આપણો નાનો ભાઈ છે. આ એક સ્પર્ધાત્મક હરીફાઈ છે.

અમે મહારાષ્ટ્રને કર્ણાટક કરતાં આગળ લઈ જવા માગીએ છીએ. કમનસીબે ગયા બે વર્ષમાં આપણે પાછળ રહી ગયા. ગુજરાતમાં વિદેશી રોકાણ ૩ બિલ્યન અમેરિકન ડૉલરથી વધીને ૨૩ બિલ્યન થયું હતું, જ્યારે આપણે ૨૬ બિલ્યનથી ઘટીને ૧૮ બિલ્યન પર આવી ગયા હતા.’

mumbai mumbai news maharashtra gujarat congress bharatiya janata party