મુંબઈ : એસએસસીમાં ફરી વિદ્યાર્થિનીઓ ઝળકી, 96 ટકા આવ્યુ રિઝલ્ટ

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ : એસએસસીમાં ફરી વિદ્યાર્થિનીઓ ઝળકી, 96 ટકા આવ્યુ રિઝલ્ટ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના એસએસસી બોર્ડનું રિઝલ્ટ ગઈ કાલે જાહેર કરાયું હતું. રાજ્યના ૯૫.૩૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જે છેલ્લાં પંદર વર્ષનું સૌથી હાઈએસ્ટ રહ્યું છે. કોંકણ વિભાગમાં સૌથી વધુ ૯૮.૭૭ ટકા તો ઔરંગાબાદના સૌથી ઓછા ૯૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે મુંબઈનું ૯૬.૭૨ ટકા રિઝલ્ટ આવ્યું હતું. આ વર્ષે પણ ૯૬.૯૧ ટકા પાસની ટકાવારી સાથે વિદ્યાર્થિનીઓ અવ્વલ આવી હતી, જ્યારે ૯૩.૯૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

માર્ચ ૨૦૨૦માં લેવામાં આવેલી એસએસસી બોર્ડની પરીક્ષા આપવા માટે કુલ ૧૫,૮૪,૨૬૪ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આમાંથી ૧૫,૭૫,૧૦૩ પરીક્ષામાં બેઠા હતા. આમાંથી ગઈ કાલે જાહેર થયેલા રિઝલ્ટમાં ૧૫,૦૧,૧૦૫ વિદ્યાર્થી પાસ થવાથી રાજ્યનું કુલ રિઝલ્ટ ૯૫.૩૦ ટકા રહ્યું હતું, જે છેલ્લાં પંદર વર્ષમાં સૌથી ઊંચું છે. ૫,૫૦,૮૦૯ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ તો ૩,૩૦,૫૮૮ વિદ્યાર્થી સેકન્ડ ક્લાસમાં પાસ થયા હતા, જ્યારે ૮૦,૩૩૫ વિદ્યાર્થી પાસ ક્લાસ રહ્યા હતા. ૯૦૪૫ દિવ્યાંગે આપેલી પરીક્ષામાંથી ૯૨.૭૩ ટકા પાસ થયા હતા. એસએસસીમાં કુલ ૬૦ વિષયની પરીક્ષા લેવાઈ હતી, જેમાંથી ૨૦ સબ્જેક્ટમાં ૧૦૦ ટકા વિદ્યાર્થી પાસ થયા હતા.

રાજ્યની કુલ ૨૨,૫૮૬ માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૮૩૬૦ સ્કૂલોનું રિઝલ્ટ ૧૦૦ ટકા રહ્યું છે. ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષમાં લેવાયેલી એસએસસીની પરીક્ષામાં ૭૭ ટકા વિદ્યાર્થી પાસ થયા હતા, જ્યારે આ વર્ષે રિઝલ્ટમાં ૧૮.૨૦ ટકાનો સુધારો થયો છે. કોરોનાને કારણે જ્યોગ્રાફીનું પેપર રદ કરાયું હોવાથી આ સબ્જેક્ટમાં એવરેજ માર્ક્સ અપાયા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૬૫,૦૮૫ વધારે વિદ્યાર્થી સાથે કુલ ૧૭,૬૫,૮૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષાની નોંધણી કરી હતી. રાજ્યભરમાં ૪,૯૭૯ સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં નવ વિભાગમાં એસએસસીની પરીક્ષા લેવાઈ હતી. સૌથી વધુ કોંકણના ૯૮.૭૭ ટકા, પુણેના ૯૭.૩૪ ટકા, કોલ્હાપુરના ૯૭.૬૪ ટકા, મુંબઈના ૯૬.૭૨ ટકા, અમરાવતીના ૯૫.૧૪ ટકા, નાગપુરના ૯૩.૮૪ ટકા, નાશિકના ૯૩.૭૩ ટકા, લાતુરના ૯૩.૦૯ ટકા અને ઔરંગાબાદના ૯૨ ટકા વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયા હતા.

mumbai mumbai news maharashtra