21 December, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ગેરમાર્ગે દોરે કે ખોટી માહિતી આપે એવાં સ્કૂલોનાં નામોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કરેલા અભ્યાસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી સ્કૂલો ઇન્ટરનૅશનલ અભ્યાસક્રમ ઑફર ન કરતી હોવા છતાં તેમનાં નામોમાં ‘ઇન્ટરનૅશનલ’ કે ‘ગ્લોબલ’ જેવા શબ્દો વાપરીને પેરન્ટ્સને ગુમરાહ કરે છે. સ્કૂલના નામમાં આવા શબ્દોને કારણે સ્ટુડન્ટ્સ અને સામાન્ય લોકોમાં મૂંઝવણ ઊભી થાય છે.
હવે આ શબ્દોનો ઉપયોગ ફક્ત એવી જ સ્કૂલો કરી શકશે જેમની બ્રાન્ચ વિદેશમાં હોય અથવા જે ઇન્ટરનૅશનલ બોર્ડ સાથે સંલગ્ન હોય. એજ્યુકેશન કમિશનર દ્વારા ૧૫ ડિસેમ્બરે ઇશ્યુ કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે સ્ટેટ બોર્ડની અનેક સ્કૂલો ઇન્ટરનૅશનલ, ગ્લોબલ જેવા શબ્દોનો ઉપયોગ તેમના નામમાં કરી રહી છે. એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમ ન હોવા છતાં અનેક સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ શબ્દ વાપરી રહી છે. આ કાયદાની રીતે યોગ્ય નથી અને પેરન્ટ્સ તથા સ્ટુડન્ટ્સને ગેરમાર્ગે દોરનારું છે. આવી સ્કૂલોને નામ બદલવાની સૂચના આપવામાં
આવશે. હવે પછીથી નવી સ્કૂલો માટેના આવેદનમાં જો નામમાં આવા શબ્દો હશે તો એ વિશે વેરિફેકશન કર્યા પછી જ એને આગળ મોકલવામાં આવશે.