Maharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા

27 January, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા

પ્રતીકાત્મક તસવીર

કોરોના રોગચાળાને કારણે મહારાષ્ટ્રમાં છેલ્લા 10 મહિનાઓથી બંધ રહેલી સ્કૂલોના દરવાજા 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે બુધવારથી ખુલ્યાં છે. સવારથી જ પૂણે સહિત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, સ્કૂલ આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સ્કૂલોમાં આ સમયગાળા દરમિયાન કોવિડ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફક્ત માસ્ક પહેરેલા વિદ્યાર્થીઓને જ સ્કૂલના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ઘણી સ્કૂલોમાં માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. જોકે, મુંબઈની શાળાઓ હજી બંધ રાખવામાં આવી છે.

રાજ્ય સરકારના સ્કૂલ શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે મંગળવારે કહ્યું હતું કે જો સ્કૂલ 5 થી 8 સુધી વર્ગ સરળતાથી ચલાવી શકે તો મહારાષ્ટ્ર સરકાર 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલને ફરી શરૂ કરવા અંગે વિચારણા કરશે. મુંબઈથી લગભગ 515 કિલોમીટર દૂર પરભણી શહેરમાં પત્રકારો સાથે વાતચીત કરતા મંત્રીએ કહ્યું કે 5 થી 8 ધોરણ માટે સ્કૂલ ફરીથી ખોલવા માટે મોટાભાગના શિક્ષકોની આરટી-પીસીઆર પરીક્ષણો કરાયા હતા.

માતા-પિતાને અપીલ

અમે માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેરીને જ તેમના બાળકોને સ્કૂલમાં મોકલે. એકવાર આપણે એમાં સફળ થઈ ગયા તો અમે ધોરણ 1 થી 4 ધોરણના વર્ગો શરૂ કરવા પર વિચાર કરીશું. પ્રધાને કહ્યું રાજ્ય સરકાર દ્વારા 9 થી 12 ધોરણના સ્કૂલોને 23 નવેમ્બર 2020થી ફરીથી ખોલવમાં આવી હતી, લગભગ 9 મહિના પહેલા COVID-19 લૉકડાઉનના કારણે સ્કૂલોને બંધ કરવી પડી હતી.

કુલ 22 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યના 22,204 સ્કૂલોમાં આ ધોરણ (9 થી 12 માટે)માં આવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હવે અમે 27 જાન્યુઆરીથી ધોરણ 5 થી 8ના વિદ્યાર્થી માટે સ્કૂલ ફરીથી શરૂ કરી રહ્યા છે, જ્યાં 78.47 લાખ વિદ્યાર્થીઓની નોંધણી છે. તેમણે કહ્યું કે વર્ગો મુખ્યત્વે વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી ભાષા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી વિદ્યાર્થીઓને ઓછા પુસ્તક લાવવાના રહેશે. શિક્ષણ વિભાગે વાલીઓને તેમના બાળકને પીવાના પાણીની એક બોટલ આપવા જણાવ્યું છે.

mumbai mumbai news maharashtra