21 August, 2025 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈના દરિયાકિનારે વરસાદી મોસમની મજા માણતા લોકો.
રાયગડ અને પુણે જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું હતું. હવામાન ખાતાએ રાયગડ અને પુણેમાં રેડ અલર્ટ આપી હતી; જ્યારે નંદુરબાર, નાશિક, પાલઘર, સાતારા, ગડચિરોલી, રત્નાગિરિ અને કોલ્હાપુર જિલ્લાઓમાં ઑરેન્જ અલર્ટ હતી. રાજ્યની કૃષ્ણા, કોયના, સાવિત્રી નદીઓમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું હતું, જ્યારે નાની-નાની નદીઓમાં પૂર આવતાં અનેક ગામડાંઓ ધોવાયાં હતાં. મહત્ત્વના ડૅમોના દરવાજા ખોલાતાં નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમે સેંકડો લોકોને સ્થળાંતરિત કર્યા હતા. આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના ૮૦ ટકા ડૅમ ભરાઈ ગયા હોવાનું પ્રશાસને જણાવ્યું હતું.
પુણેમાં બુધવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. એકતાનગરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ-ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બુધવારે સાંજે પુણેના મોટા ભાગના રોડ પર ટ્રાફિક જૅમની સમસ્યા જોવા મળી હતી.
નાશિકમાં એક ઇમારત ધસી પડતાં બે બાળકો ફસાયાં હતાં, તેમને બહાર કાઢવાની કામગીરી પ્રશાસને હાથ ધરી હતી. ઉપરાંત નાશિકની ગોદાવરી નદીમાં પણ પાણીનું સ્તર વધતાં તંત્ર સાબદું થયું હતું.
શુક્રવાર સાંજથી શનિ શિંગણાપુર મંદિર બંધ
શનિવારે અમાસ આવતી હોવાથી શનિ શિંગણાપુર મંદિરમાં રાજ્યભરમાંથી લોકો દર્શન માટે આવે છે. ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થતિને લીધે મંદિર અને મંદિર તરફ આવતા માર્ગોમાં લોકોની ભીડ ટાળી શકાય એ માટે મંદિરના ટ્રસ્ટે શુક્રવારે મોડી સાંજથી મંદિર બંધ રાખવાની જાહેરાત કરી હતી.