વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

30 July, 2021 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

મહારાષ્ટ્રમાં આવેલા પુર સમયે મહિલાને સલામત સ્થળે લઈ જતા એનડીઆરએફના જવાનોની ફાઈલ તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વૈતરણા નદી પરનો બ્રિજ ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં વાડા અને સહાપુર તાલુકાઓનો ટ્રાફિક ખોરવાઈ ગયો હોવાનું સરકારી અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. બુધવારે સહાપુરના બેલવાડ ગામમાં બનેલી આ ઘટના બાદ થાણેના ગાર્ડિયન પ્રધાન એકનાથ શિંદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અધિકારીઓને યુદ્ધના ધોરણે બ્રિજનું રિપેરિંગ હાથ ધરવાની સૂચના આપી હતી.

ભારે વરસાદને કારણે બુધવારે મધરાત બાદ જિલ્લાના મુમ્બ્રા બાયપાસ રોડને પણ ઘણું નુકસાન પહોંચ્યું હોવાનું થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે જણાવ્યું હતું. માર્ગ પર ચાર-પાંચ ફૂટ ઊંડો ખાડો પડી જતાં તકેદારીના ભાગરૂપે રોડને બંધ કરી દેવાયો હતો.

આ ઉપરાંત ખારડી-ટેમ્બા-વાડા રૂટ પરના દહીગાંવના માર્ગને પણ વિવિધ સ્થળોએ ભારે નુકસાન થતાં નાશિક જઈ રહેલી બસો અને મુસાફરોની અવરજવર પ્રભાવિત થઈ હોવાનું અન્ય અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains thane mumbra