શિવસેનાએ જ રામમંદિરના નિર્માણ આડેના અંતરાયો દૂર કર્યા હતા : રાઉત

21 July, 2020 11:52 AM IST  |  Mumbai | Agencies

શિવસેનાએ જ રામમંદિરના નિર્માણ આડેના અંતરાયો દૂર કર્યા હતા : રાઉત

સંજય રાઉત

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે દાવો કર્યો હતો કે શિવસેનાએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કર્યો હતો અને રાજકારણ માટે નહીં, બલ્કે હિંદુત્વ માટે અથવા તો મંદિરનાં નિર્માણકાર્ય માટે મંદિર આડેના અંતરાયો દૂર કર્યા હતા.

હવે એ જોવાનું રહે છે કે આગામી મહિને યોજાનારા મંદિરના ભૂમિપૂજન સમારોહમાં કેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવે છે અને આ પ્રસંગે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં પગલાંઓનું કેટલું પાલન કરવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેઓ કેવી રીતે રાજકીય સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે તે જોવાનું રહે છે, એમ રાઉતે પત્રકારોને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હંમેશાં અયોધ્યાની મુલાકાત લે છે અને શિવસેના તથા ઉત્તર પ્રદેશના આ નગર વચ્ચેનું જોડાણ અકબંધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણનો પ્રારંભ કરવા ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઑગસ્ટના રોજ અયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતા છે, ત્યારે ઠાકરે તે દિવસે અયોધ્યાની મુલાકાત લેશે કે કેમ, તે પ્રશ્નના જવાબમાં રાઉતે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

ઉદ્ધવ ઠાકરે હંમેશાં અયોધ્યા જાય છે. તેઓ મુખ્ય પ્રધાન નહોતા ત્યારે પણ ત્યાં જતા હતા અને મુખ્ય પ્રધાન બન્યા પછી પણ ત્યાં જાય છે, એમ રાઉતે જણાવ્યું હતું.

sanjay raut mumbai mumbai news shiv sena ayodhya ram mandir