ઉદ્ધવ ઠાકરે તેમનો નિર્ણય બદલીને યુ-ટર્ન લેશે તો આશ્ચર્ય થશે : પૃથ્વીરાજ ચવાણ

24 June, 2022 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઉતની ટિપ્પણી પર શું શિવસેના મહારાષ્ટ્રમાં બીજેપી સાથે હાથ મિલાવવા માગે છે? એવો પ્રશ્ન પુછાતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પત્રકારોને જણાવ્યું હતું

ફાઇલ તસવીર

શિવસેનાએ શાસક મહાવિકાસ આઘાડી સાથેના ગઠબંધનમાંથી અલગ થઈ જવું જોઈએ એવી શિવસેનાના બળવાખોર નેતાઓની માગણીને સ્વીકારીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અબાઉટ ટર્ન લે એમ નથી લાગતું એમ કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે જણાવ્યું હતું.

શિવસેનાએ એનસીપી અને કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનનો અંત લાવવો જોઈએ એવી એકનાથ શિંદેની આગેવાની હેઠળના વિધાનસભ્યોની માગણી પર વિચાર કરવા તૈયાર છે એ મુજબના શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે સવારમાં આપેલા નિવેદનને પગલે પૃથ્વીરાજ ચવાણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

સંજય રાઉતની ટિપ્પણી પર શું શિવસેના મહારાષ્ટ્રમાં બીજેપી સાથે હાથ મિલાવવા માગે છે? એવો પ્રશ્ન પુછાતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે પત્રકારોને જણાવ્યું હતું કે ‘શિવસેનાનો હેતુ હજી સ્પષ્ટ નથી થઈ રહ્યો. મુખ્ય પ્રધાને બુધવારે જાહેર જનતાને કરેલા સંબોધનમાં આવું કંઈ સ્પષ્ટ નહોતું થઈ રહ્યું. જો ઉદ્ધવ ઠાકરે ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં અબાઉટ ટર્ન લેશે તો મને આશ્ચર્ય થશે. જોકે તેઓ આવું કરે એમ નથી લાગતું.’

શિવસેનાના કયા જૂથને પક્ષનો અધિકૃત ચહેરો માનવામાં આવે એ અંગે પણ સ્પષ્ટતા નથી એમ જણાવતાં કૉન્ગ્રેસના નેતાએ ઉમેર્યું હતું કે શિવસેના આંતરિક ફૂટનો સામનો કરી રહી હતી અને તેમણે એને સંબોધવાની જરૂર હતી. 

mumbai mumbai news maharashtra uddhav thackeray prithviraj chavan shiv sena