મને હાર્ટ-અટૅક આવ્યો નથી કે મારું બ્લડ-પ્રેશર પણ વધ્યું નહોતું

23 June, 2022 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના મિસિંગ વિધાનસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે મને બળજબરીથી સુરતની એક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અને ઇન્જેક્શન મારવામાં આવ્યું હતું

નીતિન દેશમુખ

શિવસેનામાં બળવો કરીને ૪૬ વિધાનસભ્યોને પોતાની સાથે સુરત લઈ જનાર એકનાથ શિંદેના ગ્રુપમાંથી બહાર પડીને સુરતથી અકોલા આવી ગયેલા શિવસેનાના મિસિંગ વિધાનસભ્ય નીતિન દેશમુખે કહ્યું હતું કે મને બળજબરીથી સુરતની એક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અને હાર્ટ-અટૅક ન આવ્યો હોવા છતાં એક ઇન્જેક્શન મારવામાં આવ્યું હતું.

અકોલાના બાલાપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા નીતિન દેશમુખે નાગપુર ઍરપોર્ટ પર પત્રકારો સાથે બોલતાં કહ્યું હતું કે હું કોઈ રીતે સુરતથી સુર​િક્ષત આવી ગયો છું અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જ મારા નેતા ગણું છું.

નીતિન દેશમુખ મિસિંગ થઈ જતાં તેમનાં પત્નીએ તેમના મિસિંગની ફરિયાદ અકોલા પોલીસ સ્ટેશનમાં કરી હતી કે તેમના પતિ સોમવાર રાતથી મળી નથી રહ્યા.

નીતિન દેશમુખે કહ્યું હતું કે ‘હું ઉદ્ધવ ઠાકરે અને બાળાસાહેબ ઠાકરેનો શિવસૈનિક છું. મંગળવારે મારી તબિયત સારી જ હતી. એમ છતાં ૨૦થી ૨૫ લોકો મને સુરતમાં હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે મને હાર્ટ-અટૅક આવ્યો હતો, પણ મને ક્યારેય હાર્ટ-અટૅક આવ્યો જ નથી. મારું બ્લડ-પ્રેશર પણ વધ્યું નહોતું. તેમનો ઇરાદો સારો નહોતો. એ પછી તેમણે મને જબરદસ્તી એક ઇન્જેક્શન મારી દીધું હતું.’

ગઈ કાલે તેમણે પત્રકારોને કહ્યું હતું કે એકનાથ શિંદેએ વિધાનસભ્યોની સહીવાળો જે લેટર મોકલાવ્યો છે એમાં તેમની ખોટી સહી કરવામાં આવી છે.

સોમવારે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘કેટલાક વિધાનસભ્યો જેઓ એકનાથ શિંદે સાથે સુરત હતા તેમને મિસલીડ કરીને ત્યાં લઈ જવાયા હતા અને તેમનું અપહરણ કરાયું હતું. નીતિન દેશમુખે તેમની ચુંગાલમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાંની પોલીસ અને કેટલાક ગુંડાઓ જેઓ ‘ઑપરેશન કમળ’ ચલાવી રહ્યા હતા તેમણે તેમની મારઝૂડ કરી હતી અને એથી તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો.’

આ બાબતે પ્રતિક્રિયા આપતાં કૉન્ગ્રેસના નાના પટોલેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘નીતિન દેશમુખની કેફિયત જાણ્યા બાદ સમજી શકાય છે કે લોકશાહીની હત્યા કરાઈ છે. સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત નહીં. આ લડાઈમાં અમે શિવસેના અને મહાવિકાસ આઘાડી સાથે છીએ.’  

mumbai mumbai news maharashtra indian politics shiv sena