શિંદેના હજારો સપોર્ટર ભેગા થયા આનંદ દીઘેના આનંદ આશ્રમમાં

28 June, 2022 02:06 PM IST  |  Mumbai | Mehul Jethva

થાણેના શિવસેનાના વિભાગ પ્રમુખ બબન મોરે અને ભૂતપૂર્વ કૉર્પોરેટર પ્રકાશ શિંદેએ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે તમામ શિવસૈનિકોને એકનાથ શિંદેને સમર્થન આપવા માટે ભેગા થવાની અપીલ કરી હતી

આનંદ આશ્રમ પાસે ભેગા થયેલા એકનાથ શિંદેના સમર્થકો (તસવીર : સમીર માર્કન્ડે)

થાણેમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને સમર્થન આપવા માટે ગઈ કાલે સવારે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ શિવસેનાના દિવંગત નેતા આનંદ દીઘેના આનંદ આશ્રમમાં ભેગા થયા હતા. એકાએક પસાર થયેલા આ મેસેજથી પોલીસ અને સીઆરપીએફના જવાનોએ ટેમ્ભીનાકા વિસ્તારમાં કોઈ અઘટિત બનાવ ન બને એ માટે મોટો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અહીં આવેલા એકનાથ શિંદેના સંસદસભ્ય પુત્ર શ્રીકાંત શિંદેએ કાર્યકર્તાઓને સંયમ રાખવાની અપીલ કરી હતી.

થાણેના શિવસેનાના વિભાગ પ્રમુખ બબન મોરે અને ભૂતપૂર્વ કૉર્પોરેટર પ્રકાશ શિંદેએ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે તમામ શિવસૈનિકોને એકનાથ શિંદેને સમર્થન આપવા માટે ભેગા થવાની અપીલ કરી હતી. એ પછી થાણે, ભિવંડી, દિવા, કલવા અને ઘોડબંદર વિસ્તારમાં રહેતા એકનાથ શિંદેના સમર્થકો હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા હતા. અહીં ‘શિંદેસાહબ, તુમ આગે બઢો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. થાણે અને ભિવંડી જેવા વિસ્તારોના તમામ વિભાગ પ્રમુખો અને શાખાપ્રમુખો પણ અહીં આવ્યા હતા.

શ્રીકાંત શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હજી પણ શિવસેના છોડી નથી. અમે ધર્મવીર આંનદ દીઘે અને બાળાસાહેબ ઠાકરેના વિચારો પર ચાલવાવાળા શિવસૈનિકો છીએ અને આગળ પણ એ જ રહીશું. એક-બે વિધાનસભ્યો ખોટા હોઈ શકે, પણ એકસાથે ૪૦ વિધાનસભ્યો જેનો વિરોધ કરી રહ્યા છે એમાં કંઈક તો તથ્ય હશે જ.’

રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે આપેલા સ્ટેટમેન્ટ પર તેમણે કહ્યું હતું કે ‘વરસાદની સીઝનમાં અનેક દેડકાઓ બહાર આવતા હોય છે. તેમણે વિચાર કરીને બોલવું જોઈએ.’

થાણેના ભૂતપૂર્વ મેયર નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે ‘છેલ્લા બે-ત્રણ દિવસમાં રાજ્યમાં બનેલી ઘટનાઓ પર નજર નાખીએ તો મોટા નેતાઓના કહેવા પર નાના લેવલના શિવસૈનિકો આક્રમક થઈ રહ્યા છે. હું તમામ શિવસૈનિકોને અપીલ કરું છું કે મોટા નેતાઓની વાતોમાં આવો નહીં. આપણા ૪૦ વિધાનસભ્યો આપણા માટે લડી રહ્યા છે. જે નેતાઓ તમને ઉગ્ર થવાનું કહે છે તેમને કહો કે તમે પોતે રોડ પર આવીને વિરોધ કરો. કોઈ મોટા નેતાઓની હિંમત નથી કે તેઓ થાણેમાં આવીને કોઈ પ્રકારનો વિરોધ કરી શકે.’

mumbai mumbai news maharashtra shiv sena mehul jethva