મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા દર વર્ષે ૧૦.૫૦ કરોડ રૂપિયા વાપરશે સરકાર

07 May, 2025 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત ગ્રામીણ ભાગમાં યોજાઈ રાજ્ય સરકારની કૅબિનેટની બેઠક

અહિલ્યાદેવી હોળકરના માનમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી

અઢારમી સદીમાં થઈ ગયેલાં મરાઠા સામ્રાજ્યનાં જાણીતાં મહારાણી અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે મહારાણીના અહિલ્યાનગરના ચૌંડીમાં આવેલા જન્મસ્થળે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટની બેઠક થઈ હતી. મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વખત કૅબિનેટની બેઠક ગ્રામીણ ક્ષેત્રમાં થઈ છે. આ બેઠકમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આદિશક્તિ અભિયાનને મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાનમાં દર વર્ષે રાજ્ય સરકાર ૧૦.૫૦ કરોડ રૂપિયા ફાળવશે. એમાં ગામથી લઈને શહેરમાં રહેતી મહિલાઓની ‌તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આદિશક્તિ અભિયાનનો ઉદ્દેશ મહિલાના આરોગ્ય, પોષણ, શિક્ષણ, આર્થિક, સામાજિક અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો છે. બાળમૃત્યુ, માતામૃત્યુ અને કુપોષણનું પ્રમાણ ઓછું કરવામાં આવશે. એનો ઉદ્દેશ પંચાયતરાજમાં મહિલાઓનો સહભાગ વધારવાનો, સગીર, કિશોરી કે મહિલાની સુરક્ષામાં વધારો કરવાનો તેમ જ કૌટુંબિક હિંસા અને બાળવિવાહ રોકવાનો છે. ગામથી માંડીને શહેરમાં રહેતી મહિલાઓની વિશેષ સમિતિ બનાવવામાં આવશે.

૫૫૨૦ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી

કૅબિનેટની બેઠકમાં ચૌંડીમાં આવેલા અહિલ્યાબાઈ હોળકરના સ્મૃતિસ્થળનું જતન અને સંવર્ધન કરવા માટે ૬૮૧ કરોડ રૂપિયા, અષ્ટવિનાયક મંદિર માટે ૧૪૭ કરોડ રૂપિયા, તુળજાભવાની મંદિર માટે ૧૬૫ કરોડ રૂપિયા, નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિર માટે ૨૭૫ કરોડ રૂપિયા, વિદર્ભના માહરૂગડના વિકાસ માટે ૮૨૯ કરોડ રૂપિયા મળીને કુલ ૫૫૨૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અહિલ્યાબાઈનું જીવન અને કામ સામાન્ય લોકો સુધી પહોંચાડવા વિવિધ ભાષામાં ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહિલ્યાદેવીના સમયના ૧૯ કૂવા, ૬ કુંડ અને ૩૪ જળાશયનું સંવર્ધન કરવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

અહિલ્યાદેવી હોળકરના માનમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી

રાજમાતા અહિલ્યાદેવી હોળકરનું ૩૦૦મું જયંતી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે તેમના માનમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે એનું અનાવરણ કર્યું હતું. 

maharsahtra maharashtra news devendra fadnavis eknath shinde news mumbai Education mumbai news