ઔરંગાબાદના આ ગામમાં ક્યારેય દૂધ વેચવામાં નથી આવતું

12 August, 2020 12:21 PM IST  |  Aurangabad | Agencies

ઔરંગાબાદના આ ગામમાં ક્યારેય દૂધ વેચવામાં નથી આવતું

પ્રતીકાત્મક તસવીર

ઔરંગાબાદના હિંગોલી જિલ્લાના આ ગામના લોકો પોતાને ભગવાન શ્રીકૃષ્ણના વંશજ ગણાવે છે અને દૂધને વેચવાને સ્થાને જરૂરતમંદોને મફતમાં આપે છે. ગયા મહિને રાજ્યમાં દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતો અને વેપારીઓએ દૂધની વેચાણકિંમત વધારવા આંદોલન કર્યું હતું, ત્યાં યેલેગાંવ ગવલીના રહેવાસીઓએ ક્યારેય દૂધ વેચ્યું નથી. ગામના લગભગ દરેકના ઘરે દુધાળા ઢોર છે.

યેલેગાંવ ગવલી ગામના નામનો અર્થ જ દૂધવાળાનું ગામ એવો થાય છે. ગામના ૪૦ વર્ષના રાજારામ મદાદે નામના એક રહેવાસીના જણાવ્યા મુજબ ગામના લોકો પોતાને ભગવાન કૃષ્ણના વંશજ માને છે અને એથી જ દૂધ વેચતા નથી. ગામના ૯૦ ટકા રહેવાસીઓ દુધાળા ઢોર ધરાવે છે, પરંતુ પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરાનું પાલન કરતાં તેમાંનું કોઈ પણ દૂધ વેચતું નથી. વધારાનું દૂધ તેમ જ દૂધની અન્ય બનાવટોનું પણ વેચાણ કરવાને બદલે જરૂરતમંદ લોકોમાં વહેંચવામાં આવે છે.

ભગવાન કૃષ્ણનું મંદિર ધરાવતા આ ગામમાં કૃષ્ણજન્મનો તહેવાર મોટે પાયે ઊજવવામાં આવે છે. જોકે કોવિડ-19ની મહામારીને કારણે આ વર્ષે ઉજવણી રદ કરવામાં આવી છે. ગામના સરપંચ શેખ કૌસરે જણાવ્યું હતું કે ગામનો પ્રત્યેક રહેવાસી પછી તે કોઈ પણ ધર્મનો હોય, દૂધ ન વેચવાની પરંપરાનું પાલન કરે છે.

mumbai maharashtra mumbai news aurangabad