મહારાષ્ટ્રમાં અમીર દર્દીઓ ICU બેડ્સ અટકાવી રાખે છે?

03 September, 2020 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં અમીર દર્દીઓ ICU બેડ્સ અટકાવી રાખે છે?

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

દેશમાં COVID-19ના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. લોકોને સમયસર તબીબી સારવાર મેળવવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ ગંભીર છે, જેનું કારણ મહારાષ્ટ્રના અમીર દર્દીઓ હોવાનું આરોગ્ય પ્રધાનનું કહેવું છે.

એક મરાઠી ન્યૂઝ ચેનલના પત્રકારનું કોવિડ-19ને લીધે નિધન થયું તે બાબતે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (Rajesh Tope)એ કહ્યું કે, કોરોનાવાયરસના લક્ષણો ન હોવા છતાં અમીર દર્દીઓ હૉસ્પિટલોમાં ICU બેડ્સ ઉપર કબજો રાખે છે.

ગ્રામીણ ભાગમાં આ વાયરલ ફેલાઈ રહ્યો છે. જે લોકો કોવિડ-19 પૉઝિટિવ છે તેમાંથી 80 ટકા લોકોને હલકા લક્ષણો (Asymptomatic) છે. પરંતુ અમીર દર્દીઓ વગર કારણે કોરોનાના નામે ICU બેડ્સ અટકાવી રાખે તે ખોટું છે. આવા પ્રકાર બંધ થવા જોઈએ.

બુધવારે 42 વર્ષના જે મરાઠી પત્રકારનું નિધન થયું તેના કુટુંબનો આરોપ છે કે તેને કાર્ડિએક એમ્બ્યુલન્સ સમયસર મળી નહીં. હૉસ્પિટલ્સમાં બેડ્સ અને એમ્બ્યુલન્સની શોર્ટેજ બાબતે પ્રધાને કહ્યું કે, મે કલેક્ટર્સને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ પ્રાઈવેટ એમ્બ્યુલન્સનો પણ વપરાશ કરે. પત્રકારના નિધન પાછળનું કારણ હું જાણીને રહીશ.

ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 83,883 નવા કેસ નોંધાયા છે અને 1,043 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 38,53,407 કેસ નોંધાયા છે. જેમાંથી 8,15,538 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 29,70,493 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 67,376 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 17,433 નવા કેસ નોંધાયા છે અને 292 લોકોના મોત થયા છે. જ્યારે 13,959 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8,25,739 થઈ ગયો છે. તેમાંથી 2,02,048 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 25,195 લોકો મૃત્યુ પામ્યા છે અને 5,98,496 લોકો સારવાર બાદ સાજા થયા છે.

mumbai coronavirus maharashtra