BJPના લોકો દૂધે ધોયેલા નથી, મહારાષ્ટ્ર સરકાર બરાબર ચાલી રહી છે: ઉદ્ધવ

27 November, 2020 07:59 AM IST  |  Mumbai | Agency

BJPના લોકો દૂધે ધોયેલા નથી, મહારાષ્ટ્ર સરકાર બરાબર ચાલી રહી છે: ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીની સરકાર બહુ જલદી ઊથલી પડશે એવી આગાહી બીજેપીના કેન્દ્ર સરકારના મંત્રીએ તાજેતરમાં કરી હતી જેના પર હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રમાં સરકારને એક વર્ષ પૂરું થવા નિમિત્તે ઉદ્ધવ ઠાકરેનો શિવસેના પ્રવક્તા સંજય રાઉતે ઇન્ટરવ્યુ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કહ્યું હતું કે બીજેપીના લોકો દૂધે ધોયેલા નથી અને હું તેમની પાછળ હાથ ધોઈને જો પડી ગયો તો તેમને બહુ તકલીફ થશે. તેમની ખીચડી કેવી રીતે ચડાવવી એ મને બરાબર આવડે છે.

સરકાર પોતાના જ ભાર હેઠળ તૂટી પડશે એ વિશેના સવાલમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આવું કહેનારાઓના દાંત તૂટી જવાના છે, પણ આ સરકાર નહીં તૂટે. ગઠબંધનમાં બધું સારું ચાલી રહ્યું છે અને સરકાર ચાલશે. મારા પરિવારની પાછળ જે લોકો પડ્યા છે તેમને એટલું જ કહીશ કે તેમના પણ પરિવાર છે. હું હાથ ધોઈને પાછળ પડી ગયો તો બીજેપીના લોકોને લેવાના દેવા થઈ જશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની સરકારને બીજેપીના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે અપ્રાકૃતિક ગણાવીને કહ્યું હતું કે જે દિવસે આ સરકાર પડી એ દિવસે મહારાષ્ટ્રને બીજેપી એક મજબૂત સરકાર આપશે. આવી સરકારો લાંબા સમય સુધી ચાલતી નથી. મહારાષ્ટ્રમાં બીજેપી એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા અદા કરી રહ્યો છે અને તેથી વારંવાર આઘાડી સરકાર મુસીબતમાં મુકાય છે.

maharashtra uddhav thackeray shiv sena mumbai mumbai news