ઈ-કૉમર્સ કંપનીઓ પર લગામ તાણવાની માગ

04 May, 2021 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઈ-કૉમર્સ કંપનીઓ પર નૉન-એસેન્શ્યલ વસ્તુઓનો બ્રેક ધ ચેઇન અંતર્ગત ઑનલાઇન બિઝનેસ કરવા સામે પાબંધી મૂકવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને અને ચીફ સેક્રેટરીને પત્ર લખીને માગણી કરવામાં આવી છે કે ‘મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઈ-કૉમર્સ કંપનીઓ પર નૉન-એસેન્શ્યલ વસ્તુઓનો બ્રેક ધ ચેઇન અંતર્ગત ઑનલાઇન બિઝનેસ કરવા સામે પાબંધી મૂકવામાં આવી છે. આમ છતાં ઈ-કૉમર્સ કંપનીઓ સરકારના ૧૩ એપ્રિલના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને ઑનલાઇન નૉન-એસેન્શ્યલ વસ્તુઓનો બિઝનેસ કરી રહી છે. આ સંજોગોમાં મહારાષ્ટ્ર સરકારે ઈ-કૉમર્સ કંપનીઓ પર કડક કાર્યવાહી કરીને તેમના પર લગામ તાણવાની જરૂર છે.

આ બાબતની માહિતી આપતાં અસોસિએશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે ફક્ત જીવનાવશ્યક વસ્તુઓ જ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સવારના ૭થી ૧૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈ-કૉમર્સ કંપનીઓ ખુલ્લેઆમ સરકારના આદેશનું ઉલ્લંઘન કરીને તેમના ગ્રાહકોને નૉન-એસેન્શ્યલ વસ્તુઓનો ઑનલાઇન બિઝનેસ કરી રહી છે. ’  

નૉન-એસેન્શ્યલ વસ્તુઓ કઈ-કઈ છે?
લૅપટૉપ, કમ્પ્યુટર, ટૅબ્લેટ્સ, કેબલ્સ અને ફર્નિચર જેવી અનેક આઇટમો નૉન-એસેન્શ્યલ વસ્તુઓની કૅટેગરીમાં આવે છે. જોકે ઍમેઝૉન, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ જેવી અનેક કંપનીઓ આજે પણ મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં આ બધી જ વસ્તુઓનો ઑનલાઇન બિઝનેસ કરી રહી છે જેનો મુંબઈના રીટેલરો વિરોધ કરી રહ્યા છે.

mumbai mumbai news maharashtra coronavirus covid19