યુનિવર્સિટીની ફાઇનલ યરની પરીક્ષાઓ ઑક્ટોબરમાં યોજાઈ શકે ​: શિક્ષણપ્રધાન

01 September, 2020 11:37 AM IST  |  Mumbai | Agency

યુનિવર્સિટીની ફાઇનલ યરની પરીક્ષાઓ ઑક્ટોબરમાં યોજાઈ શકે ​: શિક્ષણપ્રધાન

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની મોટા ભાગની બિનકૃષિ (નૉન-ઍગ્રિકલ્ચર) યુનિવર્સિટીઓએ રાજ્ય સરકારને યુજીસી સમક્ષ ફાઇનલ યરની પરીક્ષાઓ યોજવાની અને પરિણામો ૩૧ ઑક્ટોબર સુધીમાં જાહેર કરવાની વિનંતી કરવા જણાવ્યું છે, એમ રાજ્યના શિક્ષણપ્રધાન ઉદય સામંતે સોમવારે જણાવ્યું હતું.

રાજ્યમાં ૩ નૉન-ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી આવેલી છે. એ પૈકીની અમરાવતી યુનિવર્સિટી અને યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી (વાયસીએમઓયુ)એ પરીક્ષા યોજીને પરિણામો ૧૦ નવેમ્બર સુધીમાં જાહેર કરવાનું સૂચન કર્યું છે, એમ ઉચ્ચતર અને તક્નિકી શિક્ષણ વિભાગ સંભાળતા સામંતે જણાવ્યું હતું.

તમામ યુનિવર્સિટીઓ એ બાબતે પણ સંમત થઈ હતી કે કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઘરની બહાર નીકળવું શક્ય નથી. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાની પદ્ધતિ બુધવારે જાહેર કરાશે.

પરીક્ષા ઑક્ટોબરના પ્રથમ સપ્તાહે યોજાય અને એ ઓછા માર્કની હોય એવી શક્યતા પ્રધાને વ્યક્ત કરી છે. યુનિવર્સિટીઓના કુલ ૭,૬૨,૯૬૨ વિદ્યાર્થીઓ ફાઇનલ યરની પરીક્ષાઓ આપશે. અમરાવતી યુનિવર્સિટી અને યશવંતરાવ ચવાણ ઓપન યુનિવર્સિટીએ યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ને પરીક્ષાઓ યોજવાની અને પરિણામો ૧૦ નવેમ્બર સુધીમાં જાહેર કરવાની વિનંતી કરવાનું જણાવ્યું છે.

મુંબઈ, પુણે તથા અન્ય સહિતની બાકીની યુનિવર્સિટીઓએ રાજ્ય સરકારને યુજીસી સમક્ષ પરીક્ષાઓ યોજીને પરિણામો ૩૧ ઑક્ટોબર સુધીમાં જાહેર કરવાની દરખાસ્ત કરવાની માગણી કરી છે, એમ સામંતે જણાવ્યું હતું.

યુનિવર્સિટીઓએ રાજ્ય સરકારને આ સંદર્ભે યુજીસીને વિનંતી કરવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (એસડીએમએ)ની મીટિંગ ગોઠવવાની વિનંતી કરી છે, એમ જણાવતાં પ્રધાને ઉમેર્યું હતું કે એસડીએમએની મીટિંગ બુધવારે યોજાય એવી અપેક્ષા છે.

mumbai mumbai news maharashtra coronavirus covid19 lockdown