05 July, 2026 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Maharashtra FDA)એ ત્રણ કોસ્મેટિક પ્રોડક્ટને માનક ગુણવત્તા મુજબ ન હોવાનું જાહેર કર્યું છે. સાથે જ આ પ્રોડક્ટના ઉપયોગ અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લાદવાની સલાહ આપવામાં આવી છે. લૅબ તપાસમાં આ પ્રોડક્ટમાં મર્ક્યુરી (પારો) અને લીડ (સીસું) જેવી ઝેરી ધાતુઓ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં મળી આવી હતી. તેથી આ પ્રોડક્ટને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી ગણવામાં આવી છે. આ ત્રણમાંથી એક ક્રીમ પાકિસ્તાનમાં બનેલી હોવાનું પણ સામે આવ્યું છે. FDA (Maharashtra FDA) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ સરકારી લેબમાં તપાસ બાદ `ગોરી બ્યુટી ક્રીમ`, `ફેસ ફ્રેશ ગોલ્ડ (બ્યુટી ક્રીમ + બ્યુટી સીરમ)` અને `ગોલ્ડન સ્ટાર બ્યુટી ક્રીમ` ગુણવત્તાના ધોરણો પર ખરી ઉતરી નહોતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ `ગોરી બ્યુટી ક્રીમ` (Goree Beauty Cream) પાકિસ્તાનમાં બનેલી પ્રોડક્ટ છે. થોડા દિવસ પહેલાં મુંબઈ પોલીસે ચેમ્બૂરના એક દુકાનદાર સામે ગુનો નોંધ્યો હતો. આરોપ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ હોવા છતાં તેણે `ગોરી ક્રીમ`નો સ્ટોક રાખ્યો હતો. એટલું જ નહીં, તે આ ક્રીમનું વેચાણ પણ કરી રહ્યો હતો. તપાસમાં ક્રીમની ગુણવત્તા નબળી નીકળી બાકીની બે પ્રોડક્ટને પણ `નોટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ)` એટલે કે નબળી ગુણવત્તાવાળી જાહેર કરવામાં આવી છે. તેમાં `ફેસ ફ્રેશ ગોલ્ડ` (બ્યુટી ક્રીમ અને બ્યુટી સીરમ) અને `ગોલ્ડન સ્ટાર બ્યુટી ક્રીમ`નો સમાવેશ થાય છે. FDAની લેબમાં થયેલી તપાસમાં આ ક્રીમમાં ઝેરી ભારે ધાતુઓનું પ્રમાણ ખૂબ વધારે હોવાનું સામે આવ્યું છે. આવી ક્રીમનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ત્વચા, કિડની અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન થઈ શકે છે.
તપાસમાં (Maharashtra FDA) એ પણ સામે આવ્યું કે આ પ્રોડક્ટ પર ઉત્પાદકનું નામ અને સરનામું લખેલું નહોતું. ઉપરાંત બેચ નંબર, બનાવવાની તારીખ અને એક્સપાયરી તારીખ જેવી જરૂરી માહિતી પણ આપવામાં આવી નહોતી. આ ગ્રાહકોની સુરક્ષા સંબંધિત નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવ્યું છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ પ્રોડક્ટ ખરીદવા, વાપરવા અને વેચવાનું તરત બંધ કરવાની અપીલ કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે આવી કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ ત્વચા અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
FDA (Maharashtra FDA)એ રિટેલ દુકાનદારો, હોલસેલ વેપારીઓ, વિતરકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મને પણ ખાસ સૂચના આપી છે. તેમને આ પ્રોડક્ટનું વેચાણ, સ્ટોરેજ, ડિસ્પ્લે અને વિતરણ તરત જ બંધ કરવા જણાવાયું છે. જે સ્ટોકિસ્ટ અને વિતરકો પાસે આ પ્રોડક્ટનો સ્ટોક છે, તેમણે તેની સંપૂર્ણ માહિતી સંબંધિત FDA કચેરીને આપવાની રહેશે. સાથે જ બજારમાં મોકલાયેલા તમામ પ્રોડક્ટ પરત મંગાવવાની (રિકોલ) પ્રક્રિયા પણ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
વિભાગે (Maharashtra FDA) સ્પષ્ટ જણાવ્યું છે કે ઉપલબ્ધ સ્ટોક અને બજારમાંથી પરત મંગાવવામાં આવેલા તમામ પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી વિલંબ કર્યા વગર સંબંધિત FDA કચેરીને આપવી પડશે. આ બાબતમાં બેદરકારી રાખવામાં આવશે તો નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. FDAએ લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ આ પ્રતિબંધિત પ્રોડક્ટ વેચાતી કે ઉપલબ્ધ જોવા મળે તો તેની જાણ તરત વિભાગને કરે. આ માટે વિભાગે ટોલ-ફ્રી નંબર 1800-222-365 અને અધિકૃત ઈ-મેલ જાહેર કર્યો છે. FDAલોકોને માત્ર અધિકૃત અને વિશ્વસનીય જગ્યાએથી જ કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદવાની સલાહ આપી છે. સાથે જ કોઈપણ પ્રોડક્ટ પર ઉત્પાદકનું નામ-સરનામું, બેચ નંબર, બનાવવાની તારીખ અને એક્સપાયરી તારીખ જેવી તમામ જરૂરી માહિતી સ્પષ્ટ રીતે લખેલી છે કે નહીં તેની ખાતરી કરવા જણાવ્યું છે. વિભાગનું કહેવું છે કે સાવચેતી અને જાગૃતિ જ આવા અસુરક્ષિત પ્રોડક્ટથી બચવાનો સૌથી અસરકારક રસ્તો છે.