વિધાન પરિષદમાં પણ અપક્ષો બાજી બગાડશે?

13 June, 2022 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય પવારના પરાજય માટે અપક્ષ વિધાનસભ્યો જવાબદાર હોવાના ગંભીર આરોપ સામે અપક્ષ વિધાનસભ્ય દેવેન્દ્ર ભુયારે તમામ અપક્ષ વિધાનસભ્યોને સાથે આવવાનું આહ્‌વાન કર્યું. એનસીપીના ચીફ પવારની મુલાકાત લઈને સંજય રાઉતે કરેલા આરોપ બાબતે જવાબ પણ આપ્યો

ફાઇલ તસવીર

રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર સંજય પવારના પરાજય માટે અપક્ષ વિધાનસભ્યો જવાબદાર હોવાનો ગંભીર આરોપ મૂકીને તેમનાં નામ પણ શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે જાહેર કરવા સામે અપક્ષ વિધાનસભ્યો નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સંજય રાઉતે અપક્ષ વિધાનસભ્ય દેવેન્દ્ર ભુયારનું નામ લીધું હોવાથી તેમણે રાજ્યના તમામ અપક્ષ વિધાનસભ્યો સાથે આ મામલે ચર્ચા કરવાનું કહ્યું છે અને ગઈ કાલે એનસીપીના ચીફ શરદ પવારને મળીને કહ્યું હતું કે તેમણે પોતાના બંને મત શિવસેનાને જ આપ્યા હતા છતાં સંજય રાઉત વિશ્વાસઘાતનો આરોપ કરી રહ્યા છે.

દેવેન્દ્ર ભુયારે પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘એનસીપી-કૉન્ગ્રેસની યુતિ સાથેની સમજૂતીથી હું ચૂંટાઈ આવ્યો છું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના સમયથી હું તેમની સાથે છું. સંજય રાઉતનો પક્ષ હમણાં મહાઆઘાડી સાથે જોડાયો છે. હું શરદ પવાર અને અજિત પવાર સાથે છું. ગદ્દારી કરવી હોત તો પહેલેથી જ કરી હોત. જોકે શિવસેનાના ઉમેદવાર માટે મતદાન કર્યા બાદ પણ સંજય રાઉત દ્વારા મારી બદનામી કરીને અવિશ્વાસ કરવો એ યોગ્ય નથી. મેં પહેલો મત સંજય પવારને અને બીજો મત સંજય રાઉતને આપ્યો છે.’

દેવેન્દ્ર ભુયારે વધુમાં ઉમેર્યું હતું કે ‘શિવસેનાનું નિયોજન ભૂલભરેલું હતું. મને રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારને મતદાન કરવાનું કહેતો એક પણ ફોન નહોતો આવ્યો. એમ છતાં મેં તેમને મતદાન કર્યું હતું. આ બાબતે હું શરદ પવારને આજે મળ્યો હતો અને તેમને મારી વેદના કહી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે અમારો સંપર્ક થતો નથી. તેમને ૧૬-૧૭ પત્ર લખ્યા હોવા છતાં તેમનો જવાબ નથી આવ્યો. અમારા પ્રશ્ન માટે અમે મુખ્ય પ્રધાનને લખીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને? આઠ દિવસ બાદ વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે એ બાબતે રાજ્યના તમામ વિધાનસભ્યો સાથે મળીને નિર્ણય લઈશું.’

તાત્કાલિક રાજીનામું આપે ઉદ્ધવ ઠાકરે : નારાયણ રાણે
બીજેપીના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું રાજીનામાની માગણી કરતાં કહ્યું હતું કે ‘શિવસેનાના પોતાના મત તેમના ઉમેદવારને નથી મળ્યા અને સંજય રાઉત માત્ર એક મતથી પરાજિત થતા બચી ગયા. મહાવિકાસ આઘાડી સરકારના નવ વિધાનસભ્યો ફૂટ્યા છે. એનો અર્થ એ થયો કે સરકારમાં રહેવા જેટલી સંખ્યા નથી રહી. સરકાર કાયમ રાખવા માટે ૧૪૫ વિધાનસભ્યોની જરૂર છે. આટલા વિધાનસભ્યો પણ તેમની પાસે નથી. તમે મહારાષ્ટ્રને ૧૦ વર્ષ પાછળ ધકેલી દીધું હોવાથી ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન તરીકે કાયમ રહેવાનો કોઈ અધિકાર નથી.’

...તો ફડણવીસ પણ સેનાને મત આપશે : સંજય રાઉત
રાજ્યસભામાં શિવસેનાના ઉમેદવાર સંજય પવારના પરાજય બાદ પક્ષના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ‘સામના’માં લખેલા અગ્રલેખમાં બીજેપી પર આરોપ કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)નો ડર બતાવીને મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન કરનારા કેટલાક અપક્ષ વિધાનસભ્યોનું મતદાન બીજેપીના ઉમેદવારને કરવામાં આવ્યું છે. ઈડીનો બે દિવસ કન્ટ્રોલ શિવસેનાને આપવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસ પણ શિવસેનાને મતદાન કરશે. 

mumbai mumbai news maharashtra uddhav thackeray devendra fadnavis sanjay raut sharad pawar