11 November, 2025 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારે રાહદારીઓની સેફ્ટી માટે ફુટપાથ મેઇન્ટેઇન કરવા સહિતની કામગીરી અને જાગૃતિનાં પગલાં લેવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત રાજ્યની અન્ય સુધરાઈઓના કુલ બજેટની ઓછામાં ઓછી એક ટકો રકમ ફાળવવાના નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાહદારીઓની સુરક્ષા બદલ એસ. રાજશેખરનની જનહિતની અરજી પર સુનાવણી કરી આપેલા નિર્દેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હતો.
રાજ્ય સરકારે આ માટે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)માં જણાવ્યું છે કે દરેક સુધરાઈએ તેમના બજેટમાં રાહદારીઓની સુરક્ષા માટે ખાસ અલાયદી રકમની ફાળવણી કરવી અને એ રકમનો ઉપયોગ ફક્ત રાહદારીઓની સુરક્ષા માટે જ કરવો.
GRમાં રાહદારીઓની સેફ્ટી માટે ૧૪ મુખ્ય પગલાં લેવાનું જણાવવામાં આવ્યું છે. એમાં મુખ્યત્વે બસ-સ્ટૅન્ડ, રેલવે-સ્ટેશન, મેટ્રો જેવી જાહેર જગ્યાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ પર ફુટપાથ પર લપસી ન પડાય એવી ઍન્ટિ-સ્કિડ વ્યવસ્થા કરવા જણાવ્યું છે. ઉપરાંત રાહદારીઓ માટે વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું છે. એ સિવાય દર છ મહિને ફુટપાથનું ઑડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને માર્કેટ, સ્કૂલ, કૉલેજ, ટ્રાન્સપોર્ટ હબ પાસેની ફુટપાથ નિયમિત ચેક કરવા કહેવાયું છે.
રાજ્ય સરકારે બધી જ સુધરાઈને ફુટપાથ પરથી અતિક્રમણ હટાવવાનો આદેશ આપી દીધો છે. ફુટપાથ પર યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરવા અને સ્વચ્છતા જાળવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. એ સિવાય રાહદારીઓની સેફ્ટી માટે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ખાસ કરીને બ્રિજ પર અને સબવેમાં લગાડવા જણાવાયું છે.