કોરોનાના કેસમાં ૩૦ દિવસમાં ૮ ગણો વધારો

20 March, 2021 02:20 PM IST  |  Mumbai | Prajakta Kasale

રાહતની વાત એ છે કે ૮૦ ટકા કેસ માઇલ્ડ કે અસિમ્પ્ટોમૅટિક હોય છે

ફાઈલ તસવીર

છેલ્લા એક મહિનાના ગાળામાં કોવિડ-19ના કેસની સંખ્યામાં આઠગણો વધારો થયો છે. ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થયેલી રોગચાળાની સેકન્ડ વેવમાં ૯૦ ટકા ઝૂંપડપટ્ટી સિવાયના મધ્યમવર્ગીય અને સાધનસંપન્ન વર્ગોના લોકોના ઇલાકામાંથી આવે છે. જોકે જે નવા કેસ નોંધાય છે એમાં ૮૦ ટકા માઇલ્ડ અને અસિમ્પ્ટોમૅટિક હોય છે. ૨૦ ટકા દરદીઓમાં સક્રિય લક્ષણો જણાતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. હાલના સંજોગોમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકો કોરોના-ટેસ્ટ કરાવવા સામેથી જતા હોય છે, કારણ કે પ્રવાસ કરવા માટે કોરોના-ટેસ્ટનો રિપોર્ટ આવશ્યક બને છે.

મુંબઈમાં ફક્ત ૩૭ દિવસમાં રોજ નોંધાતા કેસની સંખ્યા ૩૭૫થી વધીને ૨૮૭૭ પર પહોંચી છે. એ લગભગ આઠગણો વધારો છે. ૧૯ ફેબ્રુઆરીએ ૮૨૩ નવા કેસ નોંધાયા એ વખતે શહેરમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૬૫૭૭ હતી. ૧૮ માર્ચે શહેરમાં ૨૮૭૭ નવા દરદીઓ નોંધાયા ત્યારે ઍક્ટિવ કેસનો આંકડો ૧૮,૪૨૪ પર પહોંચ્યો હતો.

મહાનગરપાલિકાના કુર્લા અને ચેમ્બુરના કેટલાક વિસ્તારોનો સમાવેશ કરતા ‘એલ’ વૉર્ડના મેડિકલ હેલ્થ-ઑફિસર જિતેન્દ્ર જાધવે જણાવ્યું હતું કે ‘અમારા ‘એલ’ વૉર્ડમાં ૭૫ ટકા લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, પરંતુ કોરોના ઇન્ફેક્શનના જે કેસ નોંધાય છે એમાં ૯૫ ટકા બિલ્ડિંગોના હોય છે. ૧૦ ટકાથી ઓછા લોકોમાં આ ચેપી બીમારીનાં સક્રિય લક્ષણો-સિમ્પ્ટમ્સ જોવા મળે છે. મોટા ભાગના દરદીઓને હોમ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવે છે.’

મોટા ભાગના વૉર્ડમાં આવી જ સ્થિતિ છે. કે-ઈસ્ટ વૉર્ડ (જોગેશ્વરી-ઈસ્ટ, અંધેરી-ઈસ્ટ, વિલે પાર્લે-ઈસ્ટ)ના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સપકાળે, આર-નૉર્થ વૉર્ડ (દહિસર)નાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેકર, ઈ (ભાયખલા) વૉર્ડના આરોગ્ય ખાતાના અધિકારીઓ વગેરે જિતેન્દ્ર જાધવનાં કથનોમાં સૂર પુરાવે છે. મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘લગ્નો તથા અન્ય સમારંભોમાં ફક્ત પચાસ મહેમાનોની હાજરીનો નિયમ મુંબઈમાં પાળવામાં આવે છે, પરંતુ અન્ય શહેરોમાં કદાચ પાળવામાં ન આવતો હોય એવું બની શકે. એવા કાર્યક્રમોમાં જ લોકોને કોવિડના ચેપ લાગવાની શક્યતા હોય છે.’

coronavirus covid19 mumbai mumbai news maharashtra prajakta kasale