કાંદાની સ્ટૉક-લિમિટ વધારવાની ઉદ્ધવ ઠાકરેએ માગણી કરી

01 November, 2020 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદાની સ્ટૉક-લિમિટ વધારવાની ઉદ્ધવ ઠાકરેએ માગણી કરી

ફાઈલ તસવીર

ખેડૂતો પાસેથી કાંદાની સીધી ખરીદી કરતા જથ્થાબંધ વેપારીઓ માટે કાંદાની સ્ટૉક-લિમિટમાં જે પ્રમાણની છૂટ આપવામાં આવી છે એ પ્રમાણ વધારીને ૧૫૦૦ મેટ્રિક ટન કરવાની માગણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. ગ્રાહકોના પ્રશ્નો, અન્ન-ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલને ૩૦ ઑક્ટોબરે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ભંડારણની ૨૫ મેટ્રિક ટનની મર્યાદાને કારણે જથ્થાબંધ વેપારીઓ ખેડૂતો પાસેથી સીધા કાંદાનો માલ ખરીદતા નથી એથી સત્તાવાર ભંડારણ મર્યાદા ૧૫૦૦ મેટ્રિક ટન કરવી જરૂરી છે. ભંડારણ-સ્ટૉક હોલ્ડિંગની મર્યાદા ઓછી હોવાને કારણે ખેડૂતોથી ગ્રાહકો સુધીની પુરવઠાની સાંકળ ખોરવાઈ ગઈ છે એથી છૂટક બજારમાં કાંદાની કિંમત વધી છે.’

ઉદ્ધવ ઠાકરેએ પીયૂષ ગોયલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખરીફ મોસમની કાંદાની ઊપજની બજારમાં આવક શરૂ થશે. આ પાક ઝડપથી ખરાબ થાય, નાશ પામે એવો હોય છે. ખેડૂતો પાસેથી વહેલી તકે ખરીદવામાં ન આવે તો તેમને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી સ્ટૉક હોલ્ડિંગની મર્યાદા વધારવી જોઈએ. હાલમાં જથ્થાબંધ વેપારીઓ માટે મેટ્રિક ટન અને છૂટક વેપારીઓ માટે મેટ્રિક ટનની સ્ટૉક હોલ્ડિંગની સત્તાવાર મર્યાદા હોવાથી વેપારીઓ ખેડૂતો પાસેથી વધારે પ્રમાણમાં માલ ખરીદી શકે એમ નથી. છેલ્લા છ મહિનામાં કોરોના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનમાં અન્ય ખેડૂતોની માફક કાંદાના ખેડૂતોએ પણ ઘણું નુકસાન સહન કર્યું છે. ભારતની કાંદાની નિકાસમાં ૮૦ ટકા હિસ્સો મહારાષ્ટ્રનો હોય છે. ગઈ ખરીફ મોસમમાં કાંદાની ૧૦૦ મૅટ્રિક ટન ઊપજ મળી હતી. આ વર્ષે અતિશય વરસાદને કારણે કાંદાના ઊભા પાકને નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન પણ થયું છે.’

mumbai mumbai news maharashtra uddhav thackeray onion prices