મુખ્ય પ્રધાને રાજ્યમાં વધી રહેલા ગુના પર ‘સ્ટે’ મૂકવો જોઈએ : બીજેપી

11 December, 2019 01:11 PM IST  |  Mumbai

મુખ્ય પ્રધાને રાજ્યમાં વધી રહેલા ગુના પર ‘સ્ટે’ મૂકવો જોઈએ : બીજેપી

File Photo

(પી.ટી.આઇ.) બીજેપીએ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે પર હુમલો કરતાં કહ્યું હતું કે તેમણે વિવિધ પ્રોજેક્ટ પર સ્ટે મૂકવાને બદલે રાજ્યમાં વધી રહેલા ગુનાઓ પર ‘સ્ટે’ મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. સત્તામાં આવ્યા બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સહિતના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ અને આરે કૉલોનીના મેટ્રોલાઈન કારશેડ બાબતે રિવ્યુ કરવાના આદેશ આપ્યા હતા.

બીજેપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન આશિષ શેલારે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે એક પછી એક સ્ટે ઑર્ડર આપી રહ્યા છે. આથી તેમણે રાજ્યમાં બની રહેલી ગુનાની ઘટનાઓ સામે પણ પગલાં ભરવાં જોઈએ. મુખ્ય પ્રધાને આવી ઘટનાઓ પર પણ ‘સ્ટે’ મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની એનસીપી-કૉન્ગ્રેસની સરકારને ૧૦ દિવસ થયા બાદ પણ પ્રધાનોને ખાતાઓની ફાળવણી નથી કરાઈ.’

આશિષ શેલારે કહ્યું હતું કે ‘નાગપુરમાં પાંચ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા, થાણેમાં અપહરણ અને કલ્યાણ રેલવે સ્ટેશન પાસે હત્યા કરાયેલા મૃતદેહ મળવા સહિતના રાજ્યમાં અનેક ભયાનક ગુનાઓ બની રહ્યા છે. રવિવારે ૩૨ વર્ષના એક માણસે નાગપુરમાં પાંચ વર્ષની એક આદિવાસી બાળકીની બળાત્કાર કરીને તેનું માથું પથ્થર સાથે અથડાવીને હત્યા કરવાની ભયાનક ઘટના બની હતી. આ સિવાય કલ્યાણમાં એક યુવતીનો માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જળગાંવમાં એક શારીરિક અક્ષમ યુવતી પર બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટના બની રહી છે. લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે સરકાર આંતરિક સુરક્ષા સાથે રમત રમી રહી છે.’

આ પણ વાંચો : શિવસેનાના સવાલના જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા ખરડાને ટેકો નહીં મળે : ઉદ્ધવ

બીજેપીના રાજ્યસભાના સભ્ય નારાયણ રાણેએ રવિવારે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની સરકાર અસ્થાયી છે જે માત્ર સ્ટે ઑર્ડર જ જારી કરી રહી છે. કૉન્ગ્રેસ-એનસીપી-શિવસેનાની સરકાર લાંબી નહીં ચાલે, કારણ કે તેઓ વ્યક્તિરસને સંરક્ષણ આપવા માટે જ એકત્રિત થયા છે.’

બીજેપી અને શિવસેના રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠક સાથે લડી હતી. જનતાએ આ યુતિને ૧૬૧ બેઠકો આપી હતી. જો કે મુખ્ય પ્રધાનપદ બાબતના વિવાદથી શિવસેનાએ બીજેપી સાથેની યુતિ તોડીને એનસીપી-કૉન્ગ્રેસ સાથે મળીને મહા વિકાસ આઘાડી સરકાર બનાવી છે.

maharashtra bharatiya janata party