મહારાષ્ટ્ર બીજેપીએ સરકાર સામે કર્યું રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન

23 May, 2020 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર બીજેપીએ સરકાર સામે કર્યું રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન

બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ફેલાવાને ડામવામાં શિવસેનાના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારની ‘નિષ્ફળતા’ વિરુદ્ધના વિરોધ પક્ષના રાજ્યવ્યાપી વિરોધનું સુકાન સંભાળ્યું હતું.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ નેતા વિનોદ તાવડે અને મુંબઈ બીજેપીના પ્રમુખ મંગલ પ્રભાત લોઢા સાથે નરીમન પૉઇન્ટ ખાતે આવેલી પક્ષની કચેરી પર દેખાવો કર્યા હતા.

બીજેપીના અન્ય નેતા આશિષ શેલારે પક્ષના કાર્યકરો સાથે પરા વિસ્તારમાં આવેલી પક્ષની ઑફિસ પર ધરણાં કર્યાં હતાં. તેમણે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ કટોકટીને કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં ૪૦,૦૦૦ કરતાં વધુ કેસો નોંધાયા હોવાના મામલે એમવીએ સરકારની આલોચના કરતા સંદેશાઓ ધરાવતાં પ્લૅકાર્ડ્સ દર્શાવ્યાં હતાં.

બીજેપીએ ‘મહારાષ્ટ્ર બચાઓ’ વિરોધ-પ્રદર્શન યોજવા સાથે પક્ષના કાર્યકરોને તેમનાં ઘરોની બહાર સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને સરકાર વિરુદ્ધ દેખાવો કરવા જણાવ્યું હતું. બીજેપીના નેતાઓ પક્ષની કચેરીઓની બહાર ઊભા રહ્યા હતા અને તેમણે આ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ વિરોધ-પ્રદર્શન એક કલાક સુધી ચાલ્યું હતું અને બપોરની આસપાસ પૂરું થયું હતું.

વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેનું વહીવટી તંત્ર રાજ્યમાં વાઇરલ ઇન્ફેક્શનનો વ્યાપ અંકુશમાં લેવામાં નિષ્ફળ ગયું છે.

આ દરમિયાન શાસક ગઠબંધનના પક્ષો – શિવસેના, કૉન્ગ્રેસ તથા એનસીપીએ તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર બીજેપી પર પલટવાર કર્યો હતો. રાજ્ય કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવી કટોકટીની સ્થિતિમાં ડૉક્ટરો, નર્સો, પોલીસ અને વહીવટી તંત્ર કોરોના વાઇરસ નામના શત્રુ સામે લડી રહ્યા છે ત્યારે બીજેપી રાજકારણ વિશે વિચારી પણ કેવી રીતે શકે?

તેમણે પૂછ્યું હતું કે ‘ગુરુવાર સુધીમાં અમદાવાદમાં ૯૪૪૯ પૉઝિટિવ કેસ અને ૬૧૯ મોત નોંધાયાં છે ત્યારે શું બીજેપી ગુજરાત બચાવો આંદોલન છેડીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરશે?’

બીજેપીના મહારાષ્ટ્ર બચાઓ આંદોલન સામે મહાઆઘાડીનું મહારાષ્ટ્રદ્રોહી બીજેપી આંદોલન

કોરોના રોગચાળા પર નિયંત્રણમાં અને રાજ્યના ગરીબો માટે પૅકેજ જાહેર કરવામાં નિષ્ફળતાનો આરોપ મૂકતાં બીજેપીના મહારાષ્ટ્ર એકમે શરૂ કરેલા ‘માઝં અંગણ રણાંગણ-મહારાષ્ટ્ર બચાઓ આંદોલન’  સામે સત્તાધારી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ ‘મહારાષ્ટ્રદ્રોહી બીજેપી’ આંદોલન શરૂ કર્યું છે. બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કોરોના રોગચાળા પર નિયંત્રણમાં નિષ્ફળતા બદલ ઉદ્ધવ ઠાકરે પ્રણિત રાજ્ય સરકારના વિરોધમાં ગઈ કાલે સવારે ૧૧થી બપોરે ૧૨ વાગ્યાના ગાળામાં ઘરના આંગણામાં ઊભા રહીને કાળા વાવટા ફરકાવીને તથા હાથ કે માથા પર કાળી પટ્ટી બાંધીને કાળા પાટિયાં હાથમાં પકડીને આંદોલન કરવાનો અનુરોધ રાજ્યના લોકોને કર્યો હતો. બીજેપીના ‘માઝં અંગણ રણાંગણ-મહારાષ્ટ્ર બચાઓ આંદોલન’ના જવાબમાં મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ‘મહારાષ્ટ્રદ્રોહી બીજેપી’ આંદોલન શરૂ કર્યું છે.

મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે ‘સરકારના વરિષ્ઠ પ્રધાનોએ સંકટ મોટું છે એટલે સહકાર આપો, એ શબ્દોનો વારંવાર ઉચ્ચાર કરતાં જનતા અને વિરોધ પક્ષો સહકાર આપતા રહ્યા, પણ ઠાકરે સરકારે કંઈ ન ઉકાળ્યું. એથી લોકોના મનમાં ધરબાઈ રહેલો રોષ જાગ્યો છે. અમે ઠાકરે સરકારની નિષ્ફળતા અને કોરોનાના વધતા વ્યાપ વિશે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ અને તાલુકાના મામલતદારોને નિવેદનો સુપરત કર્યાં છે.’ મહાવિકાસ આઘાડીએ ટ્વિટર હેન્ડલ પર ‘મહારાષ્ટ્રદ્રોહી બીજેપી’ આંદોલન શરૂ કરતાં જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર અત્યંત ધીરજ, હિંમત અન સક્ષમતા સાથે કોરોનાને લડત આપે છે, પરંતુ બીજેપી ગંદું રાજકારણ ખેલે છે.’ બીજેપીના આંદોલનના વિરોધમાં પહેલી વખત શિવસેના, કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ એકસાથે મળીને પ્રહાર કરી રહ્યા છે.

maharashtra shiv sena coronavirus covid19