23 July, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
VBAના વડા પ્રકાશ આંબેડકર
ન્યુ દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલ વિદ્યાર્થી આંદોલનના સપોર્ટમાં અનેક રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું છે. વિદ્યાર્થીઓ પર જે બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે કાર્યવાહીના વિરોધમાં વંચિત બહુજન આઘાડી (VBA) દ્વારા આજે ૨૩મી જુલાઇએ `મહારાષ્ટ્ર બંધ` (Maharashtra Bandh)નું આહ્વાન કરવામાં આવ્યું છે. VBAના વડા પ્રકાશ આંબેડકરે પ્રેસ-કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર બંધ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં આંદોલન પર ઊતરેલા વિદ્યાર્થીઓ પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યા છે, જેનાથી દેશભરમાં ભારે રોષ છે. તેમણે મહારાષ્ટ્ર બંધને સફળ બનાવવા માટે મજૂર યુનિયનો, બેસ્ટ (BEST) યુનિયન, બીએમસી (BMC)ના યુનિયનો અને બીજાં શ્રમિક સંગઠનો સાથે ચર્ચા હાથ ધરી છે. NEET એક્ઝામમાં થયેલ કથિત અનિયમિતતાઓને લઈને દિલ્હીમાં આંદોલન પર ઊતરેલા વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વિપક્ષી નેતાઓની અટકાયતના વિરોધમાં આ બંધનું આહ્વાન કરાયું છે. આ સાથે જ પક્ષે જણાવ્યું હતું કે આ વિરોધનો હેતુ એક્ઝામ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદારીની માંગ કરતા વિદ્યાર્થીઓને સમર્થન આપવાનો છે.
આજે મહારાષ્ટ્ર બંધ (Maharashtra Bandh)ના સમર્થનમાં કેટલાક વિસ્તારોમાં વેપારીઓ અને દુકાનદારો સ્વેચ્છાએ બજારો બંધ રાખી શકે છે. પરંતુ મેડિકલ, દૂધ અને હોસ્પિટલ જેવી ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રહેશે. જો કે, બંધને ટેકો મળે છે તેવા વિસ્તારોમાં કેટલીક દુકાનો, બજારો અને વ્યાપારી સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે બંધ રહી શકે છે. ટ્રાવેલ કરવાની યોજના બનાવતા લોકોને સ્થાનિક ટ્રાફિક અપડેટ્સ તપાસવાની અને પોલીસ અને જિલ્લા સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સલાહોનું પાલન કરવાની સલાહ છે.
જો જાહેર પરિવહનની વાત કરીએ તો તે પણ નોર્મલ જ રહેવાની શક્યતા છે. મુંબઈનું ઉપનગરીય રેલ્વે નેટવર્ક, મેટ્રો સેવાઓ, રાજ્ય સંચાલિત બસો અને હવાઇમથકો રાબેતા મુજબ જ ચાલુ રહેશે.જોકે, વિરોધ પ્રદર્શનો અને રસ્તા રોકો આંદોલન થાય તો વાહન વ્યવહાર અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે ડાબેરી રાજકીય પક્ષો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરોએ આ બંધ (Maharashtra Bandh)ને સમર્થન આપ્યું છે. ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષોને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે પણ જાહેરાત કરી છે કે કોંગ્રેસ પક્ષ આ બંધને સંપૂર્ણ સમર્થન આપશે.
તમને જણાવી દઈએ કે આ બંધ (Maharashtra Bandh) માત્ર એક રાજકીય આહ્વાન છે અને રાજ્ય દ્વારા લાદવામાં આવેલ બંધ નથી. જેથી શાળાઓ, કૉલેજો, સરકારી કચેરીઓ અને પ્રાઈવેટ વ્યવસાયોને સરકાર દ્વારા બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ મુંબઈ, પૂણે અને નાસિક સહિત મુખ્ય શહેરોમાં વધારાના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરે તેવી અપેક્ષા છે.