ઍલોપથીના ડૉક્ટરોએ સરકારને એક સપ્તાહનો સમય આપ્યો

19 September, 2025 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહ્યું કે હોમિયોપૅથ ડૉક્ટરોને મૉડર્ન મેડિસિનની પ્રૅક્ટિસ કરવાની પરવાનગી આપવાનો નિર્ણય પાછો ખેંચો, સરકાર નિર્ણય ન બદલે તો ૭ દિવસ પછી ફરી હડતાળની ચીમકી

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને જાહેર કરેલી એક દિવસની ટોકન હડતાળને રાજ્યભરમાંથી ટેકો મળ્યો હતો. મુંબઈના રેસિડન્ટ ડૉક્ટરોએ અને મેડિકલના વિદ્યાર્થીઓએ પણ કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવ્યો હતો.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ ગુરુવારે રાજ્યવ્યાપી હડતાળનું આયોજન કર્યું હતું. એમાં IMAના મહારાષ્ટ્ર ચૅપ્ટરના ડૉક્ટરો, રેસિડન્ટ ડૉક્ટરો અને મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજ્યની તમામ IMA રજિસ્ટર્ડ હૉસ્પિટલો અને સેવાઓ એક દિવસ માટે બંધ રહી હતી. જોકે સરકારી હૉસ્પિટલોમાં ઇમર્જન્સી સર્વિસ ચાલુ હોવાને કારણે દરદીઓને હાલાકી થઈ નહોતી. ટોકન હડતાળ બાદ પણ હોમિયોપૅથ ડૉક્ટરોને મૉડર્ન મેડિસિનની પ્રૅક્ટિસ કરવાની છૂટ અપાઈ છે એ પાછી ન ખેંચવામાં આવે તો ફરીથી હડતાળ પર ઊતરવાની IMAએ તૈયારી બતાવી છે. સરકારને આ નિર્ણય પર ફેરવિચારણા કરવા માટે IMAએ ૭ દિવસનો સમય આપ્યો છે.

IMAના મહરાષ્ટ્રના અધ્યક્ષ ડૉ. સંતોષ કદમે જણાવ્યું હતું કે ‘ગુરુવારે સાંજ સુધીમાં અમને સરકાર તરફથી માત્ર એક પત્ર જ મળ્યો છે જેમાં જણાવાયું છે કે કોર્ટમાં આ મૅટર ચાલી રહી છે તેથી હડતાળ પાછી ખેંચી લો. અમારી દલીલ છે કે જો અદાલતમાં હજી ફેંસલો નથી આવ્યો તો પછી સરકારે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)ને હોમિયોપૅથ ડૉક્ટરોનાં રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે આદેશ કેમ આપ્યો છે?’

સાયન હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘દરદીઓને તકલીફ ન પડે એનું ધ્યાન રાખીને અમે બધી જ સેવાઓ એકસાથે બંધ નહોતી કરી. બધા જ ડૉક્ટરો સાથે સ્ટ્રાઇક પર નહોતા ઊતર્યા. દરદીઓ માટે અમુક ડૉક્ટરો હાજર રહ્યા હતા. અમને આશા છે કે સરકાર અમારી માગણીઓ સ્વીકારશે.’

મૉડર્ન ફાર્મકોલૉજીમાં એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરનાર હોમિયોપથી ડૉક્ટરોને ઍલોપથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપવા માટે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)એ બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. રાજ્ય સરકારે રજિસ્ટ્રેશન કરવાનો આદેશ આપતું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પાંચમી સપ્ટેમ્બરે બહાર પાડ્યું હતું. એ પાછું ખેંચાય એ માગણી સાથે મહારાષ્ટ્રના ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા હતા.

mumbai news mumbai maharashtra news maharashtra health tips sion