તમારું સંતાન ગેરકાયદે સ્કૂલમાં તો ભણતું નથીને?

13 January, 2023 12:18 PM IST  |  Mumbai | Dipti Singh

ડિરેક્ટર ઑફ એજ્યુકેશને આગામી શૈક્ષણિક વર્ષ સુધીમાં શહેરમાંથી તમામ ગેરકાયદે સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો : ૨૦૨૪ સુધીમાં રાજ્યની ૬૭૪ સ્કૂલોનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદને પગલે ડિરેક્ટર ઑફ સ્કૂલ એજ્યુકેશનને આદેશ જારી કરવાની ફરજ પડી હતી

ડિરેક્ટર ઑફ એજ્યુકેશન (સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ્સ)એ એમના ડિવિઝનલ અધિકારીઓને આદેશ આપ્યો છે કે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યમાં એક પણ ગેરકાયદે સ્કૂલ ન હોવી જોઈએ. નવમી જાન્યુઆરીએ જારી કરાયેલા આ આદેશમાં તેમણે ૬૭૪ જેટલી ગેરકાયદે સ્કૂલોની યાદી મે, ૨૦૨૨માં જાહેર કરી હતી. એ પછી એમની સામે પગલાં ભરવાનો આદેશ મળ્યો હોવા છતાં એ સ્કૂલો કાર્યરત રહેવા બદલ ડિવિઝનલ ડેપ્યુટી ડિરેક્ટર્સ અને જિલ્લા સ્તરના અન્ય શિક્ષણ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

ડિરેક્ટરના આદેશમાં જો પેરન્ટ્સ સાથે છેતરપિંડી થઈ કે ગેરકાયદે સ્કૂલોને કારણે સ્ટુડન્ટ્સનું શૈક્ષણિક વર્ષ બગડ્યું હોવાનો કોર્ટ-કેસ નોંધાય તો એની જવાબદારી ડિવિઝનલ શિક્ષણ અધિકારીના શિરે આવશે એવી ચેતવણી પણ ઉચ્ચારાઈ છે.

સ્ટેટ ડિરેક્ટર ઑફ એજ્યુકેશન (સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ્સ) કૃષ્ણકુમાર પાટીલે જણાવ્યું હતું કે ‘આ સ્કૂલો તાકીદે બંધ થઈ જવી જોઈએ અથવા તો રાઇટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી ઍન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન ઍક્ટ, ૨૦૦૯ની કલમ ૧૮(૫) અનુસાર તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓના અધિકારીઓને આમ કરવાની સૂચના અપાઈ છે.’ 
આરટીઇ ઍક્ટ ૨૦૦૯ની કલમ ૧૮(૫) અનુસાર જો કોઈ વ્યક્તિ માન્ય પ્રમાણપત્ર મેળવ્યા વિના સ્કૂલ સ્થાપે અથવા તો ચલાવે અથવા તો માન્યતા રદ થયા પછી પણ સ્કૂલ ચલાવે તો તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જો તે નિયમ ભંગ કરવાનું જારી રાખે તો નિયમ ભંગ થયો હોય એવા તમામ દિવસો દરમ્યાન પ્રત્યેક દિવસ બદલ તેને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

જિલ્લા પ્રમાણે ડેટા અનુસાર રાજ્યભરમાં ૬૭૪ લાઇસન્સ વિનાની, ગેરકાયદે સ્કૂલો ચાલી રહી છે. એમાંથી સૌથી વધુ ૨૩૯ સ્કૂલો મુંબઈ જિલ્લામાં અને ૧૪૮ સ્કૂલો થાણેમાં ચાલી રહી છે.

232
મુંબઈ જિલ્લામાં ગેરકાયદે સ્કૂલોની સંખ્યા.

mumbai mumbai news Education