અચલગચ્છ સંઘમાં પ્રથમ વાર થયું ગૌતમસ્વામીનું મહાપૂજન

20 October, 2022 02:20 PM IST  |  Mumbai | Rohit Parikh

સંઘનાં ૧૦૮ કપલો ગૌતમસ્વામીની આરાધનામાં જોડાયાં : આ પ્રસંગે દેરાસરમાં અને ઉપાશ્રયમાં કરવામાં આવી અનોખી સજાવટ

મુંબઈના જૈનોના અચલગચ્છ સમુદાયમાં ૯૧૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ગૌતમસ્વામીનું પૂજન કરવામાં આવ્યું હતું અને એમાં ૧૦૮ કપલોએ ભાગ લીધો હતો.

મુંબઈના જૈનોના અચલગચ્છ સમુદાયમાં રવિવારે ૯૧૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ગૌતમસ્વામીનું પૂજન તો કરવામાં આવ્યું, પણ આ પૂજનમાં ૧૦૮ કપલોએ ભાગ લઈને ચિંચબંદર મહાજનવાડીમાં આવેલા શ્રી મઝગામ બજાર કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘમાં આ પૂજનને એક અનોખો અને અણમોલ પ્રસંગ બનાવી દીધો હતો.

આ બાબતની માહિતી આપતાં આ સંઘના ટ્રસ્ટી હિતેશ ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા શ્રી સંઘમાં અમારા અચલગચ્છના પરમ પૂજ્ય ગણિવર્ય સાધનાસમ્રાટ શ્રી ઉદયરત્નસાગરજી મહારાજસાહેબ અને યુવા મુનિ શ્રી ગુણવલ્લભસાગરજી મહારાજસાહેબ ચાતુર્માસ માટે પધાર્યા એના ચાર દિવસમાં જ તેમણે અમને કહ્યું કે જૈનોલિઝમ પ્રમાણે ૨૦૨૨નું વર્ષ અનંતલબ્ધિ નિધાન ગૌતમસ્વામીનું વર્ષ છે. આથી સંઘમાં મિની ત્રિહનાનિકા મહોત્સવ કરો જેમાં ૩૬ પરિવારોના ઘરે ગૌતમસ્વામી પધારે અને સંઘના સભ્યો સાથે મળીને ગૌતમસ્વામીની ભક્તિમાં તલ્લીન થઈ જાય. ગૌતમસ્વામી દરેક પરિવારના ઘરે ત્રણ દિવસ રહેશે અને તેમના પરિવારજનો ગૌતમસ્વામીની આરાધના કરશે. આમ ૩૬ પરિવારોના ઘરે ૧૦૮ દિવસ સુધી ગૌતમસ્વામીની મૂર્તિ રહેશે, જેનાથી તમારો સંઘ આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થશે અને સંઘના બધા જ સભ્યોના પરિવારોમાં ખુશાલીનું વાતાવરણ સર્જાશે, જેનાથી જૈન ધર્મનો પાયો મજબૂત થશે.’

ગુરુમહારાજે કરેલી અપીલને સંઘના પરિવારજનો તરફથી જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો એમ જણાવીને હિતેશ ગંગરે કહ્યું હતું કે ‘અમે સંઘમાં ૩૦ જૂનથી મિની ત્રિહનાનિકા મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. એ દિવસથી જે લાભાર્થી ૩૬ પરિવારો હતા તેમના ઘરે ગૌતમસ્વામીને વાજતેગાજતે લઈ જવામાં આવતા હતા. આ પરિવારોના ઘરે સંઘનાં પણ પગલાં થતાં હતાં અને રાતના ભવ્ય ભાવનાનો કાર્યક્રમ યોજીને ગૌતમસ્વામી અને ભગવાન મહાવીસ્વામીની ભક્તિમાં સૌ રંગાઈ જતા હતા. શનિવારે ૧૦૮ દિવસની પૂર્ણાહુતિ થઈ હતી.’

હિતેશ ગંગરે વધુમાં કહ્યું હતું કે ‘સામાન્ય રીતે અન્ય સમુદાયમાં ગૌતમસ્વામીનું પૂજન કરવામાં આવતું હોય છે, પરંતુ મુંબઈના અચલગચ્છ સંઘમાં પ્રથમ વાર રવિવારે ગૌતમસ્વામીનું મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું. આ મહાપૂજનમાં અમારા સંઘનાં ૧૦૮ કપલો પહેલી વાર ગૌતમસ્વામીની આરાધનામાં જોડાયાં હતાં. આ પ્રસંગે અમે અમારા દેરાસરમાં અને ઉપાશ્રયમાં અનોખી સજાવટ કરી હતી.’

હિતેશ ગંગરે કહ્યું હતું કે ‘આ અણમોલ અને અનોખા પ્રસંગે ચિંચબંદર મહાજનવાડીથી સાધ્વીશ્રી અમીવર્ષાશ્રીજી મહારાજસાહેબ, ખારેકબજારથી અનંતનાથજી સાધ્વીશ્રી રમ્યકિરણશ્રીજી મહારાજસાહેબ, હિન્દમાતાથી સાધ્વીશ્રી તારકગુણાશ્રીજી મહારાજસાહેબ આદિ ઠાણા, પરેલથી સાધ્વીશ્રી વંદનગુણાશ્રીજી મહારાજસાહેબ, લાલબાગથી સાધ્વીશ્રી જીણંદગુણાશ્રીજી મહારાજસાહેબ અને સાઉથ સેન્ટ્રલ પ્લાઝાથી મુનિરાજ ગુણવલ્લભસાગરજી મહારાજસાહેબ સહિત અમારા અચલગચ્છ સમુદાયના મહાનુભાવો હરખચંદ ગંગર, રમેશ કેશવજી ગોસર અને વિજય પ્રેમજી દેઢિયા પધાર્યા હતા.’

mumbai mumbai news rohit parikh