શિવસેનાના હાથમાંથી વરલી સરકી રહ્યું છે?

17 August, 2022 08:26 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

ઉદ્ધવ ઠાકરે પ્રત્યે વફાદારીના અભિયાનને શિવસેનાના ગઢ સમાન આ મતવિસ્તારમાંથી ઓછો રિસ્પૉન્સ: સ્થાનિક નેતાઓએ આ માટે સ્ટૅમ્પ-પેપરની અછતને જવાબદાર ગણી

ઉદ્ધવ ઠાકરે


મુંબઈ ઃ વરલીના શિવસૈનિકોમાં પક્ષના બંધારણ અને પ્રમુખ પ્રત્યે વફાદારી રાખવાના અભિયાનમાં ખાસ કોઈ ઉત્સાહ દેખાતો નથી. ગયા સપ્તાહ સુધી પાર્ટી માટે મહત્ત્વના આ મતવિસ્તારમાંથી ઝુંબેશના ભાગરૂપે અંદાજિત લક્ષ્યનાં ૨૫ ટકા ઍફિડેવિટ પણ ભેગાં થઈ શક્યાં નથી. પક્ષના નેતાઓ આ માટે સ્ટૅમ્પ-પેપરની અછતને જવાબદાર ગણે છે. ઉદ્ધવ ઠાકરેએ પક્ષના હોદ્દેદારોને બંધારણ અને પ્રમુખ પ્રત્યે વફાદારીનું વચન આપતું ઍફિડેવિટ જમા કરાવવાનો આદેશ આપ્યા બાદ આ અભિયાન શરૂ થયું હતું. એકનાથ શિંદે જૂથે તેમને ખરી શિવસેના તરીકે માન્યતા આપવા માટે ચૂંટણીપંચનો સંપર્ક કરતાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ-જૂથને એવી આશા છે કે મુંબઈના દરેક મતવિસ્તારમાંથી અંદાજે ૧૨,૦૦૦ ઍફિડેવિટ મળશે. ઘણા વિસ્તારોમાંથી ૫૦ ટકા લક્ષ્યાંક મેળવી લીધો છે. 
વરલી કેમ મહત્ત્વનું?
વરલી મતવિસ્તાર શિવેસના માટે મહત્ત્વનો છે, કારણ કે આદિત્ય ઠાકરે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત વિધાન પરિષદના બે સભ્યો સુનીલ શિંદે અને સચિન આહિર તેમ જ ૭ કૉર્પોરેટરો પણ આ જ વિસ્તારમાંથી આવે છે. ઑક્ટોબર ૨૦૧૯માં આદિત્ય ઠાકરે અહીંથી ચૂંટણી લડ્યા અને ઠાકરે-પરિવાર તરફથી જીતનાર પહેલા સભ્ય પણ બન્યા. 
અહીં ઉત્સાહના અભાવનું કારણ ઘણાબધા નેતાઓ હોવાનું પણ જણાવવામાં આવે છે. પક્ષની મહિલા પાંખનું નેતૃત્વ સંભાળનાર ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ‘મેં આ વિસ્તારમાંથી ૭૦૦૦ ઍફિડેવિટ ભેગાં કર્યાં છે.’ 
ઉપવિભાગ અધિકારી અભિજિત પાટીલે કહ્યું કે ‘હવે સ્ટૅમ્પ-પેપર મળતાં થયાં છે. અમે આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. માત્ર એ નેતાઓને આપવાની કામગીરી જ બાકી છે.’ 
શિવસેનાના કાર્યકર્રોના મોળા પ્રતિસાદની નોંધ ઉદ્ધવ ઠાકરેએ લીધી હતી, જેને કારણે આદિત્ય ઠાકરેની શિવ સંવાદ યાત્રા પણ શરૂ કરવામાં આવી હતી. વળી સુધરાઈની ચૂંટણી પહેલાં આ મોળો પ્રતિસાદ સમગ્ર રાજ્યમાં ખોટો સંદેશો પણ મોકલી શકે છે એથી સિનિયર નેતાઓ પણ હરકતમાં આવ્યા છે. દરેક મતવિસ્તારમાંથી કેટલાં ઍફિડેવિટ ભેગાં થયાં એનો કોઈ આંક આપવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે દરેક મતવિસ્તારમાંથી સરેરાશ ૫૦૦૦, જ્યારે વરલીમાં ૩૦૦૦ ઍફિડેવિટ ભેગાં કરાયાં છે. 

mumbai news uddhav thackeray shiv sena