દીકરીનાં લગ્ન માટે રાખેલા પૈસા ડબલ કરવાની લાયમાં પૈસા ગયા અને થયા જેલ ભેગા

24 November, 2021 07:50 AM IST  |  Mumbai | Mehul Jethva

વસઈમાં રહેતા સુભંત લિંગાયત ૧૦ લાખ રૂપિયા બીટકૉઇનમાં હારી ગયા: પત્નીના ડરથી પૈસા ચોરી થવાની ખોટી ફરિયાદ પોલીસમાં નોંધાવી

૧૦ લાખ રૂપિયા ગુમાવ્યા પછી પોલીસ સ્ટેશનમાં બેસેલા સુભંત લિંગાયત.

ટૂંક સમયમાં પૈસા ડબલ કરવાની લાલચમાં પુત્રીનાં લગ્ન માટે રાખેલા ૧૦ લાખ રૂપિયા પિતાએ બીટકૉઇનમાં ઇન્વેસ્ટ કર્યા. જોકે એ પૈસા થોડા-થોડા કરીને હારી ગયા પછી આવતા મહિને પુત્રીનાં લગ્ન નજીક આવતાં પત્નીને શું જવાબ આપીશ એ ડરથી પિતાએ પૈસા ઘરે લઈ આવતી વખતે ગઠિયાઓ એ છીનવી લઈ ગયાની ફરિયાદ વસઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે પોલીસે ઘટનાસ્થળે જઈને તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ હસ્તગત કરતાં સામે આવ્યું હતું કે આવી કોઈ ઘટના બની જ નથી. એ પછી ફરી એક વખત ફરિયાદી પિતાની કડક રીતે પૂછપરછ કરતાં તેણે કબૂલ કર્યું હતું કે એ પૈસા તે બીટકૉઇનમાં હારી ગયો હતો અને પત્નીના ડરથી તેણે આવું નાટક કર્યું હતું.
વસઈના પાપડીપાડા વિસ્તારમાં આવેલા સાંઈ સર્વિસ સેન્ટરની સામેથી મંગળવારે બપોરે દસ લાખ રૂપિયા ભરેલી બૅગ બે ગઠિયા લૂંટીને લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. એમાં ફરિયાદી ૪૭ વર્ષના સુભંત લિંગાયતે પોલીસને જણાવ્યું હતું કે ‘બપોરના સમયે તે ઘરે જઈ રહ્યો હતો. રિક્ષામાંથી ઊતરીને તે રોડ ક્રૉસ કરી રહ્યો હતો ત્યારે બે લોકો તેની પાસેની બૅગ છીનવીને રફુચક્કર થઈ ગયા હતા.’
પોલીસે તરત જ્યાં લૂંટ થઈ હતી એની આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં અને આરોપીઓની શોધમાં લાગી ગઈ હતી. પિતાએ આપેલી માહિતી અનુસાર તે સ્ટેશન વિસ્તારમાંથી પાપડી વિસ્તારમાં આવ્યો હતો. જોકે ત્યાંના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં પિતાના હાથમાં કોઈ બૅગ હતી જ નહીં એવું પોલીસને જાણવા મળ્યું હતું. એ પછી પોલીસે ઊલટી દિશામાં તપાસ હાથ ધરીને તેની જ પૂછપરછ કરી હતી ત્યારે તેણે પોતે જ ખોટું નાટક કર્યું હોવાની માહિતી પોલીસને આપી હતી.
વસઈ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કલ્યાણ કર્પેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ અમારી પાસે આવવાની સાથે અમે તેને પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે આટલા બધા પૈસા લઈને તમે કેમ નીકળ્યા હતા? ત્યારે તેણે કહ્યું હતું કે મારી દીકરીનાં ૮ ડિસેમ્બરે લગ્ન છે એ માટે મેં આ પૈસા રાખેલા હતા. વધુમાં તેણે જણાવ્યું હતું કે દીકરીનાં લગ્ન નજીક આવતાં તેને મારુતિ કારની જરૂર હતી એટલે સવા લાખ રૂપિયા તે સાંઈ સર્વિસ સેન્ટરમાં ભરવા આવ્યો હતો. એ પછી તેનું વધુ સ્ટેટમેન્ટ લીધા પછી અમે તેણે જણાવેલા તમામ રૂટના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ હસ્તગત કર્યાં હતાં. જોકે એમાં કોઈ બૅગ તેના હાથમાં દેખાઈ નહોતી. એ પછી જ્યાં લૂંટ થઈ હોવાનું કહ્યું હતું એ વિસ્તારમાં પણ તે દેખાઈ રહ્યો હતો, પણ લૂંટ થઈ હોવાની તેની બૉડી‍લાઇન લાગતી નહોતી. પછી અમે તેની પૂછપરછ કરતાં તેણે પોતાની પત્નીના ડરથી ખોટી ફરિયાદ કરી હોવાનું કબૂલ કર્યું હતું.’

Mumbai mumbai news mehul jethva