મતદાન વચ્ચે લંચ-બ્રેક

27 April, 2024 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મહારાષ્ટ્રના યવતમાળના હિવરી મતદાનકેન્દ્રના કર્મચારીઓએ મતદાન વચ્ચે પચીસ મિનિટનો લંચ-બ્રેક લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી

મતદાન વચ્ચે લંચ-બ્રેક કરી રહેલાની વાયરલ થયેલી તસવીર

ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે એક તરફ ઇલેક્શન કમિશન દ્વારા પ્રયાસ કરવામાં આવે છે તો બીજી તરફ મતદાનની પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવી હોય એવા લોકોને લીધે ઘણી વાર મુશ્કેલી ઊભી થાય છે. મતદાનના દિવસની એક-એક મિનિટ મહત્ત્વની હોય છે ત્યારે લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગઈ કાલે મહારાષ્ટ્રના યવતમાળના હિવરી મતદાનકેન્દ્રના કર્મચારીઓએ મતદાન વચ્ચે પચીસ મિનિટનો લંચ-બ્રેક લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મતદાનકેન્દ્રનો દરવાજો બંધ કરીને આખો સ્ટાફ અંદર જમવા માટે બેસી જતાં અહીં મત આપવા પહોંચેલા લોકોએ ભારે ગરમી વચ્ચે આટલો સમય મત નોંધાવવા રાહ જોવી પડી હતી. મતદાનકેન્દ્રના કર્મચારીઓ બપોરના ૨.૧૦ વાગ્યાથી ૨.૨૫ વાગ્યા સુધી મતદાનકેન્દ્રમાં જ લંચ કરવા બેસી ગયા હતા. મતદાન ચાલુ હોય ત્યારે કોઈ બાધા ન આવે એ માટેની વ્યવસ્થા ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે. સ્ટાફને એકસાથે નહીં પણ વારાફરતી જમવાની સૂચના આપવામાં આવે છે. આમ છતાં આ મતદાનકેન્દ્રે મતદાન રોકી દીધું હોવાનું ધ્યાનમાં આવતાં હવે આ મતદાનકેન્દ્રની ટીમ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું. મતદાનની વચ્ચે કેન્દ્રની અંદર જ કર્મચારીઓ લંચ કરી રહ્યા હોવાનો વિડિયો વાઇરલ થયો છે.

Lok Sabha Election 2024 Lok Sabha yavatmal maharashtra news maharashtra mumbai mumbai news