21 May, 2024 07:27 AM IST | Mumbai | Mehul Jethva
વિસરિયા પરિવાર
મુલુંડમાં રહેતા વિસરિયા પરિવારમાં રવિવારે સાંજે એક દુઃખદ ઘટના બની હોવા છતાં લોકશાહીને જીવંત રાખવાનો કિસ્સો સામે આવ્યો છે. મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં યમુના હાઇટ્સમાં રહેતા ૭૨ વર્ષના સુંદરજી વિસરિયાનું રવિવારે સાંજે અવસાન થયું હતું. ત્યાર બાદ સોમવારે વોટિંગ માટે કોઈને અગવડ ન પડે એ હેતુથી વિસરિયા પરિવારે સુંદરજીભાઈની રવિવારે મોડી રાતે જ અંતિમવિધિ કરી હતી. ત્યાર બાદ ગઈ કાલે આખા પરિવારે મતદાનકેન્દ્ર પર જઈને મત આપ્યો હતો.
મૂળ કચ્છના માંડવી જિલ્લાના ભાડા ગામના વતની સુંદરજીભાઈનું રવિવારે રાતે આઠ વાગ્યે મૃત્યુ થયું હતું. પપ્પા થોડા સમયથી બીમાર હતા એમ જણાવીને તેમના પુત્ર અમિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારથી તેમની તબિયત થોડી વધારે બગડી હતી. રવિવારે સવારે તેમનું બ્લડપ્રેશર ઘટી જવાથી તેઓ ડૉક્ટરના ઑબ્ઝર્વેશનમાં હતા. જોકે રવિવારે રાતે આઠ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. આ સમયે બધાને ભેગા કરીને અંતિમવિધિ કરવી થોડી મુશ્કેલ હતી. જોકે સોમવારે સવારે અંતિમવિધિમાં આવનારા લોકોને વોટિંગ કરવામાં કોઈ અગવડ ન પડે એ માટે અમે રવિવારે રાતે જ બધાને જાણ કરીને મુલુંડ સ્મશાનભૂમિમાં તેમના અગ્નિસંસ્કાર કર્યા હતા. એ પછી ગઈ કાલે મારી ૬૮ વર્ષની મમ્મી મીના વિસરિયા, પત્ની મીનલ, બહેન ઉર્વી મોતા, પલ્લવી સંઘવી સાથે MCC કૉલેજમાં સવારે જઈને મતદાન કર્યું હતું.’