નાંદેડમાં યુવકે કુહાડીથી તોડ્યાં VVPAT અને EVM મશીન

27 April, 2024 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુમલા બાદ મતદાનકેન્દ્રમાં તહેનાત પોલીસે યુવકને તાબામાં લીધો હતો

કુહાડીથી તોડ્યાં VVPAT અને EVM મશીન

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બિલોલી તાલુકામાં આવેલા રામતીર્થ ખાતેના મતદાનકેન્દ્રમાં ગઈ કાલે બપોરે ચાર વાગ્યા સુધીમાં ૩૭૯માંથી ૧૮૫ લોકોએ મતદાન કરી દીધું હતું. ત્યારે પચીસ વર્ષનો યુવક ભૈયાસાહેબ એડકે મતદાનકેન્દ્રમાં પહોંચ્યો હતો અને તેણે કુહાડીથી વોટર-વે​રિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT) અને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર પ્રહાર કરીને એને તોડી નાખ્યાં હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. હુમલા બાદ મતદાનકેન્દ્રમાં તહેનાત પોલીસે યુવકને તાબામાં લીધો હતો. તોડફોડ કરવા વિશે યુવકે પોલીસને કહ્યું હતું કે તે MA હોવા છતાં બેરોજગાર છે અને નોકરી મળતી નથી એટલે ગુસ્સામાં તોડફોડ કરી હતી. કુહાડીથી તોડફોડ કરવામાં આવી હોવા છતાં VVPAT અને EVM મશીન ચાલુ રહ્યાં હતાં અને એમાં થયેલા મતદાનના ડેટા પણ નષ્ટ નહોતા થયા. જોકે બાદમાં મતદાનકેન્દ્રમાં બીજાં મશીનો મૂકીને બાકી રહી ગયેલા લોકોના મત નોંધવામાં આવ્યા હતા. મતદાનકેન્દ્રમાં પોલીસનો બંદોબસ્ત હોવા છતાં યુવક કુહાડી સાથે અંદર કેવી રીતે પહોંચી ગયો એ સવાલ આ ઘટનાથી ઊભો થયો હતો.

Lok Sabha Election 2024 nanded maharashtra news maharashtra mumbai mumbai news