26 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે નવા પ્રભાગની રચનાનો આદેશ પણ આપી દીધો છે. મુંબઈ, થાણે, પુણે સહિત રાજ્યનાં મહત્ત્વનાં શહેરોની સુધરાઈઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પરિષિદની ચૂંટણીઓ હાથ ધરાવાની છે. સુપ્રીમ કોર્ટે ઑક્ટોબર સુધીમાં ચૂંટણીઓ યોજવા જણાવ્યું હતું, પણ હવે નવા પ્રભાગની રચનાઓ કરવાની છે અને એ પ્રોસેસમાં વાર લાગે એમ હોવાથી ચૂંટણી હવે દિવાળી પછી ઑક્ટોબર એન્ડમાં કે એ પછી યોજાય એવી શક્યતા છે.
રાજ્યની મોટા ભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં હાલ ઍડ્મિનિસ્ટ્રેટર કારભાર સંભાળી રહ્યા છે. એથી લોકપ્રતિનિધિઓના સહભાગ વગર હાલ સિસ્ટમ ફક્ત અધિકારીઓ જ ચલાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ૪ મહિનાની અંદર ચૂંટણીઓ પાર પાડવી અને એ પહેલાં ચાર અઠવાડિયાંમાં એની અધિસૂચના જાહેર કરવી.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં ચૂંટણીઓ આટોપી લેવાની હતી. એથી રાજ્ય સરકારે તરત જ પ્રભાગ રચના પ્રક્રિયાનું ટાઇમટેબલ જાહેર કરી દીધું હતું. જોકે રાજ્યના નગર વિકાસ વિભાગે ૨૩ જૂને એ ટાઇમટેબલમાં કેટલાક સુધારા કર્યા છે. તેમણે અહેવાલ આપવાની મુદત લંબાવી છે અને એ માટેનો આદેશ બહાર પાડ્યો છે. પ્રભાગ રચના જાહેર કરાયા બાદ એનો મુસદ્દો જાહેર કરવાનો હોય છે. ત્યાર બાદ એ વિશે કોઈના વાંધાવચકા કે આક્ષેપ હોય તો એ નોંધવાની પ્રક્રિયા કરવાની હોય છે. એ પછી વાંધાવચકા અને સજેશન્સ બાબતે સુનાવણી થાય છે અને એ પછી પ્રભાગને અંતિમ મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે.
પ્રભાગ રચનાનો અહેવાલ સબમિટ કરવાની મુદત
મુંબઈ મહાનગરપાલિકા : ૬ ઑક્ટૉબર ૨૦૨૫.
‘ડ’ કૅટેગરીની મહાપાલિકાઓ : (નાની અને મધ્યમ સુધરાઈઓ) ૧૩ ઑક્ટોબર ૨૦૨૫.
નગર પરિષદ અને પંચાયત : ૧૩ ઑક્ટોબર ૨૦૨૫
નગર પરિષદ અને નગર પંચાયત : ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫