બાળ ઠાકરે જો આજે હોત તો શું થાત અને શું ના થાત એને લઈને થયું બીજેપી અને શિવસેના વચ્ચે શાબ્દિક યુદ્ધ

24 January, 2022 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળાસાહેબ હોત તો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને ફટકાર્યા હોત એવા સંજય રાઉતના નિવેદનના જવાબમાં બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે તેઓ હોત તો મહાવિકાસ આઘાડી થવા જ ન દેત

બાળ ઠાકરે જીવ્યા ત્યાં સુધી તેમની પડછાયાની જેમ સેવા કરનાર નેપાલના ચંપાસિંહ થાપાએ ગઈ કાલે શિવાજી પાર્ક જઈને શિવસેનાના સુપ્રીમોની ૯૬મી જન્મજયંતી નિમિત્તે નમન કર્યું હતું. (તસવીર : અતુલ કાંબળે)

શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે બાળાસાહેબની ૯૬મી જન્મજયંતી નિમિત્તે કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેમણે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને ફટકાર્યા હોત એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એના જવાબમાં બીજેપીના સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે બાળાસાહેબ હોત તો તેઓ ક્યારેય કૉન્ગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાની યુતિ ન કરત. 
શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની જયંતી નિમિત્તે ગઈ કાલે તમામ રાજકીય પક્ષોએ અંજલિ આપી હતી. બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે અંજલિ આપતાં કહ્યું હતું કે ‘આજે બાળાસાહેબ જીવતા હોત તો તેઓ જીવનભર જે પક્ષોની સામે લડ્યા હતા એ કૉન્ગ્રેસ અને એનસીપી સાથે ક્યારેય યુતિ ન કરત. મહાવિકાસ આઘાડીને પહેલાં મહાશિવ આઘાડી નામ આપવાનું હતું, પરંતુ શિવ શબ્દને જેમણે વિરોધ કર્યો તેમની સાથે બાળાસાહેબ ક્યારેય યુતિ ન કરત. વિચારના આધારે એક રાજકીય પક્ષનું નિર્માણ થયું હતું. કૉન્ગ્રેસ સાથે જવાને બદલે હું શિવસેના બંધ કરીશ, હું પક્ષને વિસર્જિત કરીશ એટલી આકરી ભૂમિકા બાળાસાહેબ ઠાકરેની હતી. બીજેપી અને શિવસેનાના વિચાર સરખા હતા. સત્તા માટે આ પક્ષો ક્યારેય સાથે નહોતા આવ્યા.’
સંજય રાઉતે બાળાસાહેબની જયંતી નિમિત્તે નિશાના પર લીધા બાદ બીજેપીના સુધીર મુનગંટીવારે તેમને જવાબ આપ્યો હતો. 

mumbai mumbai news bal thackeray shiv sena