30 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેના ઘોડબંદર રોડ પર કાસારવડવલી વિસ્તારની સંજોગ રેસ્ટોરાંનું શટર તોડીને ગઈ કાલે વહેલી સવારે ચોરો આશરે ૨.૮૭ લાખ રૂપિયાના વિવિધ દારૂની બૉટલો તફડાવી ગયા
થાણેના ઘોડબંદર રોડ પર કાસારવડવલી વિસ્તારની સંજોગ રેસ્ટોરાંનું શટર તોડીને ગઈ કાલે વહેલી સવારે ચોરો આશરે ૨.૮૭ લાખ રૂપિયાના વિવિધ દારૂની બૉટલો તફડાવી ગયા હોવાની ફરિયાદ કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા રેસ્ટોરાંમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાસારવડવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે સંજોગ બાર ઍન્ડ રેસ્ટોરાંનો મૅનેજર રામચંદ્ર રઈ રેસ્ટોરાં ખોલવા માટે આવ્યો ત્યારે તેણે રેસ્ટોરાંના શટરનાં તાળાં તૂટેલી હાલતમાં જોયાં હતાં. ત્યાર બાદ તેણે તાત્કાલિક રેસ્ટોરાંના માલિક શેખર શેટ્ટીને ઘટનાની જાણ કરી હતી. અંતે ઘટનાની જાણકારી અમને મળતાં અમે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ કરતાં બ્લૅક ડૉગ, બ્લૅક ઍન્ડ વાઇટ, ઍન્ટિક્વિટી જેવા મોંઘા દારૂની બૉટલોની તેમ જ કૅશ-કાઉન્ટરમાં રાખેલા પૈસાની ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. અંતે ઘટનાની ફરિયાદ નોંધીને અમે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ચોરો દારૂની બૉટલો ચોરી કરવા આવ્યા હોય એવું જાણવા મળ્યું છે.’