13 August, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરના ડૉમિનોઝ પીત્ઝાના આઉટલેટમાં ગંદકી.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ અંતર્ગત મુંબઈની પ્રખ્યાત પીત્ઝા ચેઇન ડૉમિનોઝ પીત્ઝા (જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ લિ.)નાં ત્રણ પ્રમુખ આઉટલેટ્સ તેમ જ ભાંડુપના બે લોકપ્રિય ઢાબા અને પાલઘરની એક હોટેલનાં ફૂડ બિઝનેસ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. FDAના અધિકારીઓએ વિલે પાર્લે-વેસ્ટ, બોરીવલી-વેસ્ટ સ્થિત આઇ.સી. કૉલોની અને ઘાટકોપર-વેસ્ટના આર-સિટી મૉલમાં આવેલા ડૉમિનોઝ પીત્ઝાનાં આઉટલેટ્સ પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમ્યાન કિચનમાં ભારે અસ્વચ્છતા, વાસણો અને સાધનોની સફાઈનો અભાવ, પેસ્ટ કન્ટ્રોલના અભાવે ગંદકી અને વાંદાઓનો ઉપદ્રવ તેમ જ શાકાહારી અને માંસાહારી ખોરાકનું યોગ્ય વર્ગીકરણ ન કરવા જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. બોરીવલી આઉટલેટમાં માત્ર ૫૪ ટકા નિયમોનું પાલન થતું હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત ભાંડુપમાં મુલુંડ-ગોરેગાંવ લિન્ક રોડ પર આવેલા મુંબઈ મેટ્રો ઢાબા અને ગુલશન ધ પંજાબી ઢાબા સામે પણ કડક પગલાં લેવાયાં છે. આ બન્ને ઢાબાઓમાં કાચા માલનો અયોગ્ય સંગ્રહ, પીવાના પાણીના ટેસ્ટિંગ રિપોર્ટનો અભાવ, ડ્રેનેજ અને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવી તેમ જ કર્મચારીઓની પર્સનલ હાઇજીન વિશેની બેદરકારી જોવા મળી હતી. આ જ પ્રકારે પાલઘરના નાગઝરીસ્થિત મેસર્સ દક્ષ હોટેલમાં પણ નિયમોનું માત્ર ૪૫ ટકા પાલન થતું હોવાથી અને રસોડામાં ભારે અસ્વચ્છતા હોવાને કારણે અેનું લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. જે આઉટલેટ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં છે તેમણે સફાઈ, પેસ્ટ કન્ટ્રોલ, વૉટર ટેસ્ટિંગ અને ફૂડ સેફ્ટીનાં તમામ ધોરણો પૂર્ણ કરીને નવો રિપોર્ટ રજૂ કર્યા બાદ જ આગળની પરવાનગી મળશે.